________________
સંપાદકીય જેમના શેષ જીવનનો અદેશ્ય શિલાલેખ છે, “જ્ઞાનામૃત પી પીને પરબ થાવું, સ્થિત રહેવું કે વહેવું, પણ “ના” કદી કોઈને કહેવું, સ્વયં પીએ તો પીવા દેવું, “પિવડાવો' કહેતાં જ દૂધની સેર જેમ સરી પડવું, પરબ થઈ નીતરતા રહેવું, સરિતા જેમ વહેતાં શીખી લેવું', તેવા પ.પૂ.ગુરુદેવ સ્વામી તદ્રુપાનંદજી સમક્ષ મુમુક્ષુ સાધકો તરફથી “વિવેકચૂડામણિ' ગ્રંથના પ્રવચનો તથા ટીકારચનાનો પ્રસ્તાવ રજુ થયો અને કરુણાવત્સલ પૂ.સ્વામીજીએ તેઓ ઉપર પ્રમાભિષેકની જે અનરાધાર વર્ષા વરસાવી, તેનો પાવન પ્રસાદ એટલે જ આ ગ્રંથ.
જગદગુરુ શંકરાચાર્યજી દ્વારા રચાયેલ આ ગ્રંથ વેદાંતના જિજ્ઞાસુઓ તથા મોક્ષની પ્રબળ આકાંક્ષાવાળાઓ માટે અતિ મહત્ત્વનો છે. માનવદેહની દુર્લભતા દર્શાવી, મનુષ્યને મોક્ષાભિમુખ કરી, જીવનસાફલ્યની જડીબુટ્ટી દર્શાવતાં આ ગ્રંથના મહત્ત્વના સોપાનો પૂ. સ્વામીજી દ્વારા સુસ્પષ્ટ અને સરળ બન્યા છે. આ ગ્રંથ દિશાશૂન્યને સાચી આત્મદશા દર્શાવી, ધ્યયહીનને પરમ લક્ષ્યનું દર્શન કરાવે છે. જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી એ જ જેનું જીવન ધ્યેય છે, તેના માટે આત્મવિચાર એ જ પરમ કર્તવ્ય છે, તેવું દર્શાવી આ ગ્રંથ આત્મવિચારણાના માર્ગે જે નિશ્ચિત નક્કરે ડગલાં ભરે છે, તેના પ્રત્યેક પગલાંને પ.પૂ. સ્વામીજીની ટીકાએ સહજ અને સ્વાભાવિક દેઢતા બક્ષી, લક્ષ્યપ્રાપ્તિની યાત્રા સુગમ બનાવી છે. ઇન્દ્રિયવિષયના વિચારોમાં વેડફાતા અમૂલ્ય જીવનકાળને થંભાવી, મુમુક્ષુને સત્યને પંથે વિચારતો કરી, વિચારોનું નવનીત એવો આત્મા-અનાત્માનો વિવેક પ્રદાન કરતાં ગ્રંથના કેન્દ્રબિંદુ જેવા પાસાંને પ.પૂ.સ્વામીજીની ચોટદાર વાણીએ એવો તો પકડ્યો છે કે વાચક તેમાં જકડાઈ જીવનરાહને સન્માર્ગે વાળવા સહજ જ. કટિબધ્ધ થઈ જાય. પામરની અજ્ઞાનદશાથી આરંભી જીવન્મુક્તની પરાકાષ્ઠા પર્યતનું સવિસ્તાર પદ્ધતિસરનું વર્ણન આ ગ્રંથમાં થયું છે. જગદ્ગુરુ દ્વારા આ ગ્રંથરૂપે અભિવ્યક્ત થયેલાં શબ્દોને પ.પૂ. સ્વામીજીએ સ્વયંની સ્વાનુભૂતિની મહોરથી અલંકૃત કરી તેમને બળવંતા અને ચેતનવંતા બનાવ્યા છે, જે તેમની પ્રતિભાનો પરિચય કરાવે છે અને વાચકને અસરકારક પુરવાર થાય છે.