________________
૧૦ર
આવું સંદેહનિર્મુક્ત અને શ્રદ્ધાસંયુક્ત ચિત્ત જ પરબ્રહ્મમાં સ્થિર થઈ શકે તેમ છે. સંશય અને વિક્ષેપરહિત બુદ્ધિ જ એક નિશ્ચયયુક્ત બને છે. અર્થાત્ બુદ્ધિ મુમુક્ષા સિવાયની અન્ય એષણાઓથી મુક્ત થાય છે. તેમજ આત્મસાક્ષાત્કારથી અન્ય કે નિમ્ન કોઈ લક્ષ્ય તેના જીવનમાં રહેતું નથી. આવી એકાગ્ર થયેલી દઢ નિર્ણયવાળી શુદ્ધ બુદ્ધિ જયારે આત્મચિંતનમાં અનુરક્ત બને છે ત્યારે તેને સમાધાન કહેવામાં આવે છે. પરંતુ આ સમાધાન, સરળતાથી પ્રાપ્ત થાય ક્યારે? એવો જ પ્રશ્ન થાય તો તેના ઉત્તરમાં સમજી લેવું જોઈએ કે વિષયભ્રમણ કરતા મનને સૌ પ્રથમ દમ અને શમ દ્વારા અંતર્મુખ કરવું જોઈએ.
આ અંતર્મુખ થયેલા મનને વિવેકવિચાર દ્વારા તથા વિષયોમાં દોષદષ્ટિ કેળવી વિષયોથી પાછું વાળવું જોઈએ. વિષયભોગમાંથી ઉપરામ થયેલા મનને ગુરુ અને શાસ્ત્રના વચનોમાં શ્રદ્ધાયુક્ત બનાવવું જોઈએ. શ્રદ્ધાયુક્ત શ્રવણ દ્વારા મનને સંશયમુક્ત કરવું જોઈએ. આમ, સંશયમુક્ત થયેલું મન વિષયભ્રમણ અટકાવી ચિત્તમાં વિક્ષેપ, અજંપો કે અશાંતિ પેદા કરશે નહીં. જો ચિત્ત અશાંત નહીં હોય, અજંપો કે ચિંતાથી મુક્ત હશે તથા બાહ્ય વિષયોના વિચારથી ઉપરામ થયેલું હશે તો તેવી ઉપરતિને પામેલું ચિત્ત અંતે વાસનાવિહોણું બને છે. વાસનાઓ દૂર થતાં અંતઃકરણ કામના, ઇચ્છા કે ખોટી અપેક્ષાઓથી મુક્ત થાય છે. અપેક્ષા દૂર થતા, વાસના નિર્મૂળ થતા ચિત્તની અશુદ્ધિ દૂર થશે. શુદ્ધ થયેલું ચિત્ત તત્ સ્વરૂપ બ્રહ્મમાં એકરૂપ થઈ જશે. આવું તદ્રુપ થયેલું ચિત્ત જ ચૈતન્ય બની જશે. ત્યારે જ ભક્ત નરસિંહે કહ્યું છે તેમ,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.” એવી બ્રહ્માનુભૂતિ થઈ જશે. આમ સમાધાનને પ્રાપ્ત થયેલું ચિત્ત ચૈતન્ય બની જાય છે. તેથી આત્મસાક્ષાત્કારને પંથે સમાધાન' પણ અતિ મહત્ત્વનું સાધન બની રહે છે.