________________
૧૦૧
“(અશુદ્ધ) મન સહિત વાણી (અર્થાત્ સર્વ ઇન્દ્રિયો) ત્યાંથી (તે પરબ્રહ્મને) પ્રાપ્ત કર્યા વિના પાછી ફરે છે.” પરબ્રહ્મ પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવનો વિષય નથી તેથી મન કે ઇન્દ્રિયો દ્વારા તે દર્શનીય નથી. આમ હોવાથી જડ વિષયોની વાસના ધરાવતું અશુદ્ધ મન કે જડ પદાર્થોના વિચારમાં મગ્ન રહેલી ધૂળબુદ્ધિ દ્વારા આ પરમતત્ત્વ પામી શકાય તેમ નથી. તેથી જ પરબ્રહ્મના સાક્ષાત્કાર સંદર્ભે શ્રુતિ જણાવે છે કે,
“एष सर्वेषु भूतेषु गूढोत्मा न प्रकाशते दृश्यते त्वय्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः।। "
(કઠોપનિષદ-૧-૩-૧૨) “સર્વ ભૂતોમાં રહેલો આ ગૂઢ પરમાત્મા(સર્વને સ્પષ્ટપણે) જણાતો નથી. પરંતુ સૂક્ષ્મદર્શીઓ વડે સૂક્ષ્મ, એકાગ્ર અને તીક્ષ્ણ બુદ્ધિ વડે જાણી શકાય છે.”અત્રે તાત્પર્ય એ જ છે કે સૂક્ષ્મબુદ્ધિ જ પરબ્રહ્મના ચિંતનમાં સ્થિત થઈ શકે છે. આમ હોવાથી બુદ્ધિની સ્થિરતાને પ્રાપ્ત કરવા સૌ પ્રથમ તેને શુદ્ધ અને સૂક્ષ્મ કરવી આવશ્યક છે. ચિત્ત એ ઘડા જેવું છે. તેની અંદર વાસનાઓ સંગ્રહિત થવાથી જ તે અશુદ્ધ બને છે. પરંતુ જો વિવેકવિચારપૂર્વક વૈરાગ્યને સહારે “શમ” કે “દમ” વડે તેમાં રહેલી સર્વ વાસનાઓને છોડી દેવામાં આવે તો તે શુદ્ધ બ્રહ્મમાં સ્થિત થઈ શકે છે. આવી સ્થિતિને પ્રાપ્ત વ્યક્તિને જ ભગવાને સ્થિતપ્રજ્ઞ કહ્યો છે.
"प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ।।"
(ભ.ગીતા-અ-૨-૫૫) ' “જયારે (પુરુષ) મનમાં રહેલી બધી વાસનાઓને ત્યજી દે છે અને પોતાના આત્મા વડે આત્મામાં જ સંતુષ્ટ થાય છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.”બુદ્ધિને સ્થિર કરવા માટે સૌ પ્રથમ ચિત્તને વાસનામુક્ત કરવું પડે. આમ, વાસનામુક્ત થયેલું ચિત્ત વિક્ષેપવિહોણું બને. વિક્ષેપો જેમ જેમ ઓછાં થતાં જાય તેમ તેમ શંકા અને સંદેહો ચિત્તમાંથી નિર્મળ થતાં જાય.