________________
તન ધન જોબન સબ હી જૂઠા, પ્રાણ પલકમાં જાવે... અવસર. તન છૂટે ધન કૌન કામ કો ? કાહે કુ કૃપણ કહાવે... અવસર. જાકે દિલ મેં સાચ બસત હૈ, તાકુ જૂઠ ન ભાવે... અવસર.
આનંદઘન પ્રભુ ચલત પંથ મેં, સિમર સિમર ગુણ ગાવે... અવસર. મનુષ્ય જીવનનો અવસર વારંવાર પ્રાપ્ત થતો નથી. એટલા માટે આ જીવનમાં જ બની શકે તો સારાં કાર્યો - ભલાઈ - કરી લે, જેથી આવનારા જન્મોમાં તું સુખ પામી શકે.
તન-ધન અને યૌવન – આ બધું જ જૂઠું છે, સ્વપ્નવત્ છે. ક્ષણમાં મોત આવી શકે છે અને ધન પડ્યું રહે છે. તનને તો બાળી નાખવામાં આવે છે. તો પછી જ્યાં સુધી મોત નથી આવ્યું ત્યાં સુધી તું દાન કરી દે ! શા માટે પોતાની જાતને કૃપણ કહેવડાવે છે ? હૃદયમાં સત્યને બરાબર ધારણ કર. કયું સત્ય ? ‘તન-ધન-યૌવન બધું જૂઠું છે’ એ સત્ય ! આ જ સત્ય છે. એ સત્યને આત્મસાત્ કરીને પરમાત્માના ગુણ ગાતો રહે.
विविधोपद्रवं देहमायुश्च क्षणभंगुरम् ।
कामालम्ब्य धृतिं मूढैः स्वश्रेयसि विलम्ब्यते ॥ ७ ॥
આ શરીર વિવિધ પ્રકારના ઉપદ્રવોનું ઘર છે, આયુષ્યનો કશો જ ભરોસો નથી. છતાં પણ કોણ જાણે કયું આશ્વાસન પ્રાપ્ત કરીને મૂઢ જીવ પોતાના હિતની બાબતમાં વિલંબ કરે છે ?
અહીં ગ્રંથકારે માત્ર બે જ વાતો કરી છે -
-
(૧) આ શરીર વિવિધ ઉપદ્રવોનું ઘર છે. (૨) આયુષ્ય ક્ષણભંગુર છે. મૂઢતા સમજવા દેતી નથી :
મૂઢ જીવાત્મા આ બે બાબતો સમજતો નથી અને આત્મકલ્યાણમાં વિલંબ કરે છે. આત્મકલ્યાણ પ્રત્યે ઉદાસીન રહે છે. કશું સમજમાં નથી આવતું કે મનુષ્ય શા માટે આવડી મોટી ભૂલ કરે છે ? શા માટે વાસ્તવિકતા પ્રત્યે ઉપેક્ષા કરે છે ? જો કે કારણ તો મૂઢતા જ છે, મોહમૂઢ મનુષ્ય ન તો શરીરનો વિચાર કરે છે, ન આયુષ્યનો વિચાર કરે છે. સ્વયં પોતાની આંખોની સામે જ નાનાં બચ્ચાંને કેન્સરનો શિકાર, પોલિયાનો શિકાર થતો જુએ છે, કેટલાય યુવકોનાં ફેફસાંને સડી જતાં જુએ છે, દમની વ્યાધિથી વ્યાકુળ થતા જુએ છે, છતાં પણ સ્વયં પોતાના શરીરનો વિચાર નથી કરતો કે જ્યાં સુધી મારું શરીર રોગોથી ઘેરાયું નથી, ત્યાં સુધી હું મારું આત્મકલ્યાણ સાધી લઉં.' ના, આવો વિચાર આવતો જ નથી.
૭૨
શાન્તસુધારસ : ભાગ ૩