________________
હું કહું છું. અથવા ગ્રંથકાર કહે છે. એટલા માટે તમે સમતાને હૃદયમાં વસાવો, ના એવું નહીં. પહેલાં સમતાસુખનો અનુભવ જાતે કરી લો. એક ક્ષણ માટે ચિત્તને વિષયોમાંથી ખેંચી લો અને સમતાનો અનુભવ કરો. એવા સુખનો અનુભવ થશે કે વાણીમાં તમે એનું વર્ણન નહીં કરી શકો. યોગીઓનું સમતાસુખ કામી-ભોગી મનુષ્ય સમજી શકતા નથી.
માની લીધું કે તમે શ્રેષ્ઠ વ્યક્તિ છો, ધાર્મિક છો, સંત છો; છતાં પણ તમે ઇચ્છાઓથી મુક્ત નથી બન્યા ને ? કોઈ તમારી પ્રશંસા કરે, કોઈ નમસ્કાર કરે, એવી તીવ્ર ઇચ્છાનાં તીર તમારા દિલને ઘાયલ તો નથી કરતાં ને ? ચિંતા ન કરો. એ દિલ ઉપર સમતાનું લોહકવચ પહેરી લો. નિર્ભય રહો.
આમે ય તમારે ઇચ્છાઓથી મુક્ત થવાનું જ છે, કારણ કે તમારે તો કર્મોનો ક્ષય કરીને મુક્તિ પામવાની છે ને ? પરંતુ કોટિકોટિ જન્મોમાં ઉપાર્જિત અનંત-અનંત કર્મોનો નાશ કેવી રીતે કરશો ? તમે તીવ્ર - ઉગ્ર તપશ્ચર્યા તો કરી શકવાના નથી ! ચિંતા નહીં, તમે સમતાનો આશ્રય લો. એક ક્ષણમાં સમતા સર્વકર્મોનો નાશ કરે છે - 'ક્ષિળોતિ સમતા ક્ષળાત્ ।
પ્રશ્ન એ છે કે મુક્ત થવું છે ? સિદ્ધ બનવું છે ? હા, ગૃહસ્થાવસ્થામાં પણ સિદ્ધ બની શકો છો. અન્ય વેશમાં સિદ્ધ પણ થાય છે. એ કેવી રીતે બને છે ? કઈ સાધનાઆરાધના હોય છે ? સમતાની ! સમતાથી જ એમને શ્રેષ્ઠ રત્નત્રયી (દર્શન-જ્ઞાનચારિત્ર)ની પ્રાપ્તિ થઈ જાય છે અને તેઓ સિદ્ધ બની જાય છે.
તમે પૂછો છો કે ‘તો પછી આ સમગ્ર ધર્મક્રિયાઓ અર્થહીન છે ને ?’ ના, સર્વ ધર્મક્રિયાઓ સમતા સિદ્ધ કરવા માટે જ છે. માત્ર પુણ્ય બાંધવા માટે જ નથી. મુક્તિ પામવાનો અનન્ય ઉપાય સમતા છે - નહીં કે ક્રિયાઓ ! સમતા આત્માનું સર્વોત્કૃષ્ટ અને અતિગૂઢ તત્ત્વ છે. એ અતિગૂઢ તત્ત્વની પાસે પહોંચવાનો માર્ગ છે - અધ્યાત્મ.
આ રીતે નાનકડી જિંદગીમાં સમતાને આત્મસાત્ કરવાની છે. વિરાટ માયાજાળનો મૂળથી ઉચ્છેદ કરવાનો છે અને પુદ્ગલ પરવશતાથી મુક્તિ પામવાની છે. આ બધી વાતો ઉદાસીનભાવ પર નિર્ભર છે.
अनुपमतीर्थमिदं स्मर चेतन ! अन्तः स्थितमभिरामम् रे ।
विरतिभावविशदपरिणामं लभसे सुखमविरामं रे ॥ ७ ॥ अनु. “હે ચેતન ! તારી અંદર એક અનુપમ તીર્થ છે, રમણીય છે, તે છે વિરતિભાવનો શ્રેષ્ઠ આવિર્ભાવ ! એટલે કે યથાખ્યાત ચારિત્ર ! તું એને યાદ કર. તું અવિરામ - નિરંતર સુખ પામીશ.”
માધ્યસ્થ ભાવના
૩૦૭