________________
પહેલાં માણસ ધનવૈભવ ઈચ્છતો હતો, પરંતુ ભાગ્ય અને નીતિ-ધર્મના માર્ગે ચાલતાં તે ધન કમાતો હતો. આજના યુગમાં તો માણસ ધનદોલતની પાછળ પાગલ બની બેઠો છે. એની પાછળ દોડે છે. ચિંતા નામની ડાકણ એને ઊંઘમાં પણ સતાવે છે. આ ચિંતાને કારણે જ કદાચ સ્લીપિંગ ટેબ્લેટ્સ - ઊંઘવાની ગોળીઓની શોધ થઈ હશે. ચિંતાનિવારણનો ઉપાયઃ
સર્વચિંતાઓથી મુક્ત થવા માટે ઉપાય પહેલાં “ધર્મ માનવામાં આવતો હતો. હવે અત્યારે ધન માનવામાં આવે છે. એટલા માટે તો મનુષ્ય “અર્થપ્રધાન’ બની ગયો છે. અર્થચિંતા અતિપ્રબળ બનતી જાય છે. ગમેતેમ કરીને ધન કમાવું, લાખો, કરોડો રૂપિયા કમાવાની લાલસા વધતી જાય છે. એને લીધે સત્ય, નીતિ, ઇમાનદારી જેવી વાતો લુપ્ત થતી જાય છે. વધતી જતી ધનેચ્છા -સ્વાર્થપરાયણતા આપણને ક્યાં લઈ જશે અને કેટલી હદે સંવેદનશૂન્ય બનાવશે - આ એક સળગતો પ્રશ્ન છે. આપણે આનું તત્કાલ નિવારણ કરવું જોઈએ અને નિર્ણય લેવો જોઈએ કે આપણે આ બાબતમાં શું કરીએ? સમગ્ર સમાજને પતનની ઊંડી ખાઈમાં ધકેલી દઈએ યા ઉત્થાનના શિખર ઉપર પ્રતિષ્ઠિત કરીને એનું ગૌરવ વધારીએ?
આમ તો આપણા દેશની એક મૌલિકતા છે. આપણે આપણી આધ્યાત્મિકતાને કારણે સંપૂર્ણ વિશ્વમાં અલગ ઓળખાઈએ છીએ. આસ્તિકતા અને આદર્શવાદિતા, આપણી નસેનસમાં પ્રવેશેલી છે. કર્તવ્ય પ્રત્યે આપણે પૂર્ણતયા નિષ્ઠાવાન છીએ. ઈમાનદારી આપણને વારસામાં મળી છે. ધાર્મિકતામાં આપણે ઊંડી શ્રદ્ધા રાખીએ છીએ. સેવા આપણો આત્મા છે અને સાધના અનિવાર્યતા છે ! ઉચ્ચ નૈતિક મૂલ્યોની સ્થાપના આપણું લક્ષ્ય છે.
આ તમામ વિશેષતાઓ હોવા છતાં સમાજની અવનતિ અને અનૈતિકતામાં જે વૃદ્ધિ થઈ છે તે એકદમ અકલ્પનીય છે. આપણો અંતરાત્મા એકદમ મૂચ્છિત થયો છે કે આપણે નીતિ-અનીતિનો ભેદ કરી શકતા નથી. આપણા તુચ્છ સ્વાર્થમાં અને થોડાક અર્થલાભમાં આપણે આપણું ઈમાન વેચીએ છીએ. આપણી સમજદારી ક્યાં ખોવાણી છે? પરાક્રમ કેમ સૂઈ ગયાં છે?પરોપકારની ભાવનાને કોણે લૂંટી લીધી છે? આપણી કરુણાનો ચિત્કાર કેમ ઊઠતો નથી? પથ્થરમાં ય પ્રાણ પૂરનારી આપણી શ્રદ્ધા ક્યાં ખોવાઈ ગઈ છે?
ધનલોલુપ લોકોની ધન કમાવાની ઉદ્દામ લિપ્સાની અનેક રીતો - પદ્ધતિઓ ઊપસીને આપણી સામે આવી રહી છે.
૨૧૦
શાન્ત સુધારસ: ભાગ ૩