________________
મંત્રીએ કહ્યું ઃ ‘ક્ષમા ચાહું છું મહારાજ !' નોકરને તેણે કહ્યું : ‘માટીના ઘડામાંથી પાણી લાવો. નોકર પાણી લાવ્યો. પાણી ખૂબ જ શીતળ હતું, રાજા પ્રસન્ન થયો, સંતુષ્ટ થયો. મંત્રીએ કહ્યું : “મહારાજ, આ શીતળ જળ તો બેડોળ માટીના વાસણનું છે !’
રાજાએ હસતાં હસતાં કહ્યું : ‘હું તમારો આશય સમજી ગયો, મંત્રીજી !' તમે એ કુરૂપ પરંતુ ગુણવાન વ્યક્તિને કોષાધ્યક્ષપદે નિયુક્ત કરી દો.' કહેવાનું તાત્પર્ય એ છે કે સામેની વ્યક્તિનાં બાહ્ય રૂપરંગ ગમે તેવાં હોય, શરીર ઊંચાઈવાળું કે નીચું હોય, પરંતુ તે ગુણવાન હોય તો તેના ગુણોનો આદર કરો. ગુણોનું મૂલ્ય કરતા રહો. સૌન્દર્ય પણ ગુણોથી જ શોભે છે. ગુણહીન સૌન્દર્યનો કદી વિશ્વાસ ન કરવો. ગુણહીન સુંદર રૂપવાળી વ્યક્તિ પ્રાયઃ દગાબાજ, માયાવી, ક્રૂર અને વિશ્વાસઘાતી હોય છે.
સુંદર, શ્રીમંત, ધીમંત અને પ્રસિદ્ધ મનુષ્ય જ ગુણવાન હોય છે, એવું ન સમજો. મંદિરમાં અને ધર્મસ્થાનોમાં જનારાઓ જ ગુણવાન હોય છે એવો વિશ્વાસ ન રાખો. ગરીબ, મહેનતુ અને સામાન્ય માણસ પણ ગુણવાન હોય છે અને એના ગુણોની પ્રશંસા કરશો તો એ લોકો દૃઢ ગુણપક્ષપાતી બની જશે. આવી જ એક પરદેશની વાત કહું છું. માર્ક્સ ટુલિયસ સિસેરો :
ઈસાની એક શતાબ્દી પૂર્વે રોમન રાજપુરુષ અને મહાન વક્તા માર્ક્સ ટુલિયસ સિસેરો થઈ ગયા. તે લોકપ્રિય શિક્ષક હતા, સમાજના ઉચ્ચ વર્ગમાં માનનીય વ્યક્તિ તરીકે સ્વીકૃત પણ હતા. લોકોને એમનું સાન્નિધ્ય પ્રિય પણ હતું, એટલા માટે વારંવાર એમને ભોજન માટે નિમંત્રણ મળતાં હતાં.
એક વાર એમને એક પ્રિય વિદ્યાર્થીએ ભોજન માટે નિમંત્રણ આપ્યું. સામાન્ય રીતે તે એવા ભોજન-સમારોહમાં જવાનું ટાળી દેતા હતા, પરંતુ પોતાના વિદ્યાર્થીનો વિશિષ્ટ પ્રસંગ માનીને એ ગયા. શિષ્ય અને તેનો પરિવાર સિસેરોના આગમનથી ખૂબ જ હર્ષિત થયા.
જ્યારે ભોજન-સમારંભ પૂર્ણ થયો તો સિસેરોએ ઘરની પ્રત્યેક મહત્ત્વપૂર્ણ વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો. પછી તે ભોજન પીરસનાર પાસે ગયા અને બોલ્યાં : ‘આભાર તમારો, ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું, તમારી સારી સેવાથી ભોજન વધારે સ્વાદિષ્ટ લાગ્યું.’ પીરસનાર છોકરાની આંખો આંસુથી ભરાઈ ગઈ. બધાં જ સિસેરો પ્રત્યે અનુત્તર રહ્યાં. આ રીતે કોઈએ કદીય તેમનો આભાર માન્યો ન હતો.
પ્રમોદ ભાવના
૧૮૩