________________
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘નિર્જરા ભાવના'ની પ્રસ્તાવના કરતા કહે છે - यथा सुवर्णस्य शुचिस्वरूपं दीप्तः कृशानुः प्रकटीकरोति । तथात्मनः कर्मरजो निहत्य ज्योतिस्तपस्तद्विशदीकरोति ॥ ६ ॥ જેવી રીતે અગ્નિ સોનાના વાસ્તવિક રૂપને - નિર્મળ રૂપને પ્રકટ કરે છે, એ જ રીતે તપ આત્મા પર જામેલા કર્મોના મેલને દૂર કરીને, એના શુદ્ધ સ્વરૂપને જાજ્વલ્યમાન બનાવે છે.
તપથી આત્મસ્વરૂપ ઉજ્વળ બને છે :
પહેલાં એ વિચારો કે આત્માનું સ્વરૂપ ઉજ્વળ બનાવવું છે ? હજુ આપણા આત્મામાં અનંત-અનંત કર્મ ભરેલાં પડ્યાં છે એ વાતનું હૃદયમાં દુઃખ છે ? એ કર્મોનો નાશ કરવાની હૃદયમાં તીવ્ર તમન્ના છે ? ઉપાય છે કર્મનાશ કરવાનો. મનુષ્યને સોનું પ્રિય છે, એને સોનું જોઈએ એટલા માટે ખાણમાંથી જે સોનું નીકળે છે, એને શુદ્ધ કરવા માટે અગ્નિમાં નાખવામાં આવે છે. તે પછી સોનું શુદ્ધ થાય છે.
એ રીતે આત્મા પ્રિય લાગવો જોઈએ ત્યારે કર્મોથી અશુદ્ધ આત્માને શુદ્ધ કરવા માટે તપશ્ચર્યાનો ઉપાય કરશો અને તપશ્ચર્યાથી આત્મા ઉજ્વળ બનશે. આત્મસ્વરૂપ જ્ઞાન અને દર્શન પરમ ઉજ્વળ બનશે. પ્રસ્તાવનાનો સાતમો શ્લોક છે -
बाह्येनाभ्यन्तरेण प्रथितबहुभिदा जीयते येन शत्रुश्रेणी बाह्यान्तरङ्गाभरतनृपतिवद् भावलब्धदृढिम्ना ॥ यस्मात्प्रादुर्भवेयुः प्रकटितविभवा लब्धयः सिद्धयश्च । वन्दे स्वर्गापवर्गार्पणपटुसततं तत्तपो विश्ववन्द्यम् ॥ ७ ॥
જે તપના બાહ્ય અને આત્યંતર ભેદ છે, જે તપ બાહ્ય અને આંતરિક શત્રુસમૂહને ભરત ચક્રવર્તીની જેમ ભાવનાયુક્ત દૃઢતાથી જીતી લે છે અને જેને લોકો જોઈ શકે એવી સિદ્ધિઓ - વૈભવ પ્રાપ્ત થાય છે. સ્વર્ગ અને મોક્ષ આપવામાં સક્ષમ તપ સમગ્ર વિશ્વ માટે વંદનીય છે, એવા તપને હું નમસ્કાર કરું છું. ભરત ચક્રવર્તી :
તપના પ્રકારો છે - ૬ બાહ્ય અને ૬ આપ્યંતર. એવાં બાહ્ય-આત્યંતર તપ બાહ્ય-આંતરિક શત્રુઓને જીતી લે છે. મનુષ્યના જીવનમાં અને દેવાદિના જીવનમાં પણ બહારના શત્રુઓ હોય છે અને આંતરિક શત્રુઓ પણ હોય છે. શત્રુઓ ઉપર વિજય પામવા માટે ‘તપ’ શ્રેષ્ઠ ઉપાય છે. ગ્રંથકારે તપની ઉપલબ્ધિઓ બતાવી છે.
નિર્જરા ભાવના
૨૦૫