________________
પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજ “શાન્તસુધારસ” મહાકાવ્યમાં સંવર ભાવનાની પ્રસ્તાવના શ્લોકો દ્વારા પૂર્ણ કરીને ગેય કાવ્યનો પ્રારંભ કરે છે. ગેય કાવ્યનો પ્રારંભ કરતા પહેલાં તમારે “સંવર ભાવના'નું આત્મલક્ષી ચિંતન કેવી રીતે કરવું જોઈએ એ બતાવું છું. તમે ધ્યાનથી સાંભળજો. આત્મલક્ષી ચિંતનઃ
હું જાણું છું કે જ્યાં સુધી આ કર્મપ્રવાહ આત્મામાં પ્રવેશતો અટકશે નહીં, ત્યાં સુધી આત્માનું નિત્ય, અનંત અને અવ્યાબાધ સુખ મળશે નહીં. સુખદુઃખનાં દ્વન્દ્ર દૂર થશે નહીં. હર્ષ અને શોક, રાગ અને દ્વેષ, આનંદ અને અવસાદના ભાવદ્વન્ડો દૂર નહીં થાય.
હું સમજું છું કે શુભાશુભ કર્મોનો પ્રવાહ મારી મન, વચન, કાયાની પ્રવૃત્તિથી પ્રેરિત છે. હું જ્યાં સુધી મનમાં રાગદ્વેષમૂલક વિચારો કરતો રહીશ, ત્યાં સુધી હું બોલતો રહીશ; વાણીપ્રયોગ કરતો રહીશ અને વાણીપ્રયોગ કરતો રહીશ ત્યાં સુધી કર્મોનાં ઘોર વાદળો આત્માની ચારે તરફ ઘેરાયેલાં જ રહેશે... જ્યાં સુધી મારી શારીરિક સૂક્ષ્મ યા સ્થૂળ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે ત્યાં સુધી કર્મબંધ રોકાશે નહીં.
આ જાણવા છતાં કર્મોને આત્મામાં પ્રવેશતાં હું રોકી શકતો નથી. રોકવાનો કોઈ દ્રઢ સંકલ્પ પણ કરતો નથી. રોકવાનો કોઈ પુરુષાર્થ પણ કરતો નથી. “શા માટે મને એવો ભાવોલ્લાસ પેદા થતો નથી?” એવો પ્રશ્ન મારી અંદર ઊઠ્યો, હું વિચારતો જ રહ્યો અને એનું સાચું કારણ મને મળી ગયું. જે શુભ કર્મોનો પ્રવાહ આત્મામાં વહીને આવે છે એ શુભ કર્મો આત્માને સુખ આપે છે. એને એ શુભ કમ સુંદર નીરોગી શરીર આપે છે, ઇજજત - આબરું આપે છે અને આવી તો અનેક સુખ-સુવિધાઓ આ શુભ કર્મો આપે છે.
સુખનો રાગી જીવાત્મા શુભ કર્મોથી મળનારાં સુખોની લાલસામાં ફસાઈ જાય છે. એ સુખોની અનિત્યતાનો - વિનશ્વરતાનો વિચાર નથી કરતો, એ સુખોની પરાધીનતાને વિચારી નથી શકતો. એ સુખોની સાથે જોડાયેલા ઉપદ્રવોનો દૂરગામી વિચાર કરી શકતો નથી.
જ્યારે અશુભ કર્મો આત્મામાં પ્રવેશ કરીને દુઃખ, ત્રાસ અને યાતનાનું નર્ક ખડું કરી દે છે ત્યારે તો જીવાત્મા બૂમરાણ મચાવે છે. - “આવાં પાપકર્મો મારા આત્મામાં કેવી રીતે અને ક્યાંથી આવ્યાં? આવાં ઘોર કમોંમાંથી છુટકારો ક્યારે આવશે?” પરંતુ ફરી જ્યારે શુભ કર્મોનો ઉદય થાય ત્યારે એ બધું એ ભૂલી જાય છે. પુણ્યકર્મોના ઉદયથી મળનારાં સુખોમાં મન, વચન, કાયાથી લીન, તલ્લીન થઈ જાય છે!
[
સંવર ભાવના
.
૧૬૭ |