________________
-
માછલીઓને જોઈ છે ? પાણીની સપાટી ઉપર આવતી, પળ - બેપળ બહાર જોતી, ફરી પાછી પાણીમાં ડૂબકી મારતી, વીજળીની જેમ એક પળ માટે ઉપર આવતી અને પછી અદૃશ્ય થતી એ માછલીઓને જોઈ છે ? આ માછલીઓ માત્ર એક જ રસનેન્દ્રિયને પરવશ હોય છે. અન્ય ઇન્દ્રિયો એમને હોય છે, પરંતુ પરવશતા તો એક રસનેન્દ્રિયની જ હોય છે. આ પરવશતા - ૨સનેન્દ્રિયની લાલચ એમના મોતનો સંદેશો લઈને આવે છે.
જેવી રીતે એ માછલીઓને પોતાના રસના વિષયની શોધ હોય છે, એ રીતે દુનિયાના કેટલાય માણસોને માછલીઓની ખોજ હોય છે; કારણ કે માછલી તેમનો ખોરાક હોય છે. તેમની ૨સના માછલી ઉપર જ લાલાયિત હોય છે. માછલીને જોતાંની સાથે જ તેને પકડવા તેઓ પાણીમાં જાળ બિછાવે છે. લોઢાના તીક્ષ્ણ કાંટા ઉપર માંસનો ટુકડો યા લોટની ગોળી લગાડી, તેને દોરાથી બાંધીને કાંટાને પાણીમાં નાખે છે. જેવી માછલી એ માંસના ટુકડાને અથવા તો લોટ ખાવા માટેની લાલચમાં કાંટાને મુખમાં દબાવે એટલામાં જ કાંટો એના તાળવાને વીંધી નાખે છે.
માછીમારને આની ખબર પડતાં જ દોરીને ઉપર ખેંચી લે છે, માછલી એનો શિકાર બની જાય છે. જાળમાં એક સાથે અનેક માછલીઓ આવી જાય છે. કારણ સમજો છો ને ? રસનેન્દ્રિયને પ્રિય અને મિષ્ટ વિષયની લોલુપતા ! એ લોલુપતા જ એને મારી નાખે છે. “મને તો અત્યંત સ્વાદિષ્ટ, રસપૂર્ણ અને વૈવિધ્યયુક્ત ખાવાનું જ પસંદ આવે છે, શરબત વગર તો ચાલે જ કેવી રીતે ? ભાઈ, ચા-કોફી તો મારે જોઈએ જ, શરાબ પણ આપણને તો જોઈએ. માંસ પણ કોઈ કાઈ વાર ચાલે.” આવો આગ્રહ હોય. આવાં ભોજન અને પેય પદાર્થોની આસક્તિ હંમેશાં રહેતી હોય, આ જ લાલચ સદાય દિમાગમાં - દિલમાં છવાયેલી રહેતી હોય, તો તે ‘વિષયાસક્તિ’ - ‘વિષયવૃદ્ધિ’ કહેવાય છે. ઘ્રાણેન્દ્રિય પરવશ ભ્રમર-ભમરો :
ચાલો, હવે ઘ્રાણેન્દ્રિય પરવશ ભ્રમરની વાત કરીએ. સ્નાન, વિલેપન અને સુગંધિત દ્રવ્ય-ચૂર્ણોની ગંધથી ભ્રમિત મનવાળો મનુષ્ય ભ્રમરની જેમ નાશ પામે છે.
ચાલો, એક અતિરમણીય, મહેંકભર્યા બગીચામાં જઈએ. અનેક પ્રકારના વિવિધરંગી અસંખ્ય ફૂલ જ્યાં ખીલ્યાં છે, બગીચાની મધ્યમાં એક સરોવર છે - કમળપત્રોથી સુશોભિત અને કમળનાં ખીલેલાં પુષ્પોથી ભર્યું ભર્યું ! સામે જુઓ, કેટલું સુંદર દૃશ્ય છે ! કમળ ઉપર ગુંજારવ કરતા ભમરાઓ ઊડી રહ્યા છે. કેટલાક ભમરાઓ તો કમળની સુવાસ લેવા કમળની મધ્યમાં બેસીને સુગંધ-સાગરમાં લીન થઈ રહ્યા છે.
આસવ ભાવના
૧૨૭