________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ
કોઢ વગેરે રોગો અસાધ્ય થઈ ગયા હોય તો પણ નિશ્ચયે નાશ પામે છે; નેત્રહીનને નેત્ર પ્રાપ્ત થાય છે, બહેરાને સાંભળવાની શક્તિ પ્રાપ્ત થાય છે, મૂંગો બોલતો થાય, લંગડો-પાંગળો ચાલવા લાગે છે, અપસ્માર રોગવાળાને નવું શરીર પ્રાપ્ત થાય છે, વીર્ય-પરાક્રમહીનને મહાવીર્ય પ્રાપ્ત થાય, ધન જોઇએ તેને ધન મળે છે, સ્ત્રી જોઇએ તેને સ્ત્રી મળે છે, પુત્ર જોઇએ તેને પુત્ર-પૌત્ર મળે છે, રાજ્ય ગુમાવ્યું હોય તો રાજ્ય મળે છે, પદવી ન હોય તેને ઉત્તમ પદવી મળે છે, વિજય જોઇએ તેને વિજય મળે છે, વિદ્યાહીનને વિદ્યા પ્રાપ્ત થાય છે, ભૂત વેતાલ તથા ડાકણો પલાયન થઈ જાય છે. આ મૂર્તિના સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી સર્વે દુષ્ટ ગ્રહો શમી જાય છે. હિં વહુના ? બહુ શું વર્ણન કરવું ? હે રાજન ! સર્વ મનોરથોને પૂર્ણ કરનારી આ મૂર્તિ કલિયુગમાં સાક્ષાત્ ચિંતામણિરત્ન સમાન છે. હું નાગરાજ ધરણેન્દ્રનો સેવક છું અને તેના આદેશથી અહીં રહીને ભગવાનની મૂર્તિની ભક્તિથી ઉપાસના કરૂં છું.
આ પ્રમાણે દેવનું કથન સાંભળીને ભક્તિથી ઉલ્લસિત મનવાળા રાજાએ દેવ પાસે પ્રત્યક્ષ ચમત્કાર કરનારી મૂર્તિની માંગણી કરી. દેવે કહ્યું કે ‘રાજન્ ! ધન-ધાન્ય વગેરે તું જે કંઈ માગે તે આપીશ, પણ મૂર્તિ નહીં આપું.' આ પ્રમાણે દેવે ઘણું સમજાવ્યું તો પણ મૂર્તિ જ લેવાની ઈચ્છાવાળા રાજાએ પારણું ન કર્યું. ‘પ્રાણ જાય તો ભલે જાય; પણ મૂર્તિ લીધા વિના પાછો નહીં ફરૂં' આ પ્રમાણે દૃઢ નિશ્ચય કરીને બેઠેલા રાજાને ભોજન પાણી લીધા વિના સાત દિવસો વીતી ગયા તેના તપના પ્રભાવથી ધરણેન્દ્રે જાતે ત્યાં આવીને કહ્યું - ‘રાજા ! તું શા માટે હઠ કરે છે? આ મહાચમત્કારી મૂર્તિની પૂજા તમારાથી નહીં થઈ શકે, તારું (રોગ નાશ પામવાનું) કાર્ય સિદ્ધ થઈ ગયું છે, માટે તું ચાલ્યો જા.’
રાજાએ કહ્યું - નાગરાજ! પેટ ભરવાથી શું ? હું તો જગતના ઉપકાર માટે પ્રતિમાની માંગણી કરું છું માટે મને મૂર્તિ આપો. મારા પ્રાણ જાય તો ભલે ચાલ્યા જાય. પણ નાગરાજ ! પ્રતિમા લીધા વિના હું પાછો ફરવાનો નથી. મૂર્તિ આપો કે ન આપો, એ તમારી મરજીની વાત છે. મારા પ્રાણ તો એ ભગવાનમાં જ રહેલા છે.
૨૦