________________
86
શ્રી પ્રભાવક ચરિત્ર
બાળકની માતાને આજ્ઞા કરી. એટલે સુનંદાએ રમકડાં, તેમજ મધુર મીઠાઈ વિગેરે બતાવીને બાળકને પોતાની પાસે બોલાવવાનો પ્રયત્ન કર્યો, તથા તેને અનેક પ્રકારે લલચાવ્યો; પરંતુ બાળક તેની પાસે ન જતાં ત્યાંને
ત્યાં જ ઉભો રહ્યો, ત્યારે રાજાએ તેના પિતા ધનગિરિ મુનિને આજ્ઞા કરી. એટલે રજોહરણ ઊંચે કરીને તેણે નિર્દોષ વચનથી જણાવ્યું કે – “હે વત્સ ! જો તને તત્ત્વનું જ્ઞાન હોય અને ચારિત્રની ભાવના હોય, તો કર્મરૂપ રજને દૂર કરવા માટે આ રજોહરણ ગ્રહણ કર.” એમ સાંભળતાં મૃગની જેમ કુદકો મારીને તે બાળક તેમના ઉત્સંગમાં આવ્યો અને ચારિત્રરૂપ રાજાના ચામર સમાન તે રજોહરણ તેણે લઈ લીધું. તે વખતે મંગલધ્વનિપૂર્વક સમસ્ત વાજિંત્રોના નાદ સાથે તરત જયજયારવ પ્રગટ થયો. આથી રાજાએ શ્રી સંઘની પૂજા કરી. પછી શ્રાવક સમુદાયથી પરિવરેલા શ્રીગુરુ પોતાના સ્થાને આવ્યા.
આ બધું જોતાં સુનંદાએ વિચાર કર્યો કે – “મારા બ્રાતા, આર્યપુત્ર (પતિ) અને પુત્ર પણ મુનિ થયા, તો હવે મારે પણ સંયમનું શરણ લેવું ઉચિત છે.'
હવે વજ ત્રણ વરસનો છતાં વ્રતની ઇચ્છાથી તે સ્તનપાન કરતો ન હતો. તેથી ગુરુ મહારાજે દીક્ષા આપી અને તેની માતા સહિત તેને ત્યાં મૂક્યો.સાધ્વીઓના ઉપાશ્રયમાં તે આઠ વરસનો થયો, ત્યારે તેને લઈને સિંહગિરિ ગુરુ પોતાના પરિવાર સહિત વિહાર કરીને અન્યત્ર ચાલ્યા, અપ્રતિબંધપણે તેઓ ઇર્યાસમિતિપૂર્વક વિચારવા લાગ્યા.
એવામાં પર્વતની નજીકની ભૂમિમાં તે બાળમુનિ વજને જોઈને તેની પરીક્ષા કરવા તેના પૂર્વભવના, મિત્ર જંભકદેવોએ વૈક્રિય મેઘમાળા પ્રગટ કરી, એટલે મયૂરોના કેકારવથી મિશ્ર થયેલ સારસ પક્ષીઓના સ્વરથી મધુર બનેલ નાદ શ્રોસેંદ્રિયને તિલતંદુલના મિશ્રણની જેમ સુધાસ્વાદ જેવો થઈ પડ્યો. તે વખતે નિરંતર ઉત્કટ રીતે પ્રગટ થઈ ખડખડ કરતા જળપ્રવાહથી ઓતપ્રોત થયેલ પૃથ્વી જાણે જળથી જ બનાવેલ હોય તેવી ભાસવા લાગી. આવા સમયે અપૂકાય જીવોની વિરાધનાને ન ઇચ્છતા ગુરુ મહારાજ એક વિશાળ ગિરિગુહામાં બેસી રહ્યા. મહામેઘ કોઈ રીતે વિરામ ન પામ્યો, એટલે જ્ઞાનધ્યાનથી તૃપ્ત થયેલા મુનિઓ ઉપવાસી થઈને રહેવા લાગ્યા. તે વખતે જગત-જીવનના પોષણને માટે શંકા પામેલ સૂર્ય પણ વિશ્વમાં રસની સ્થાપના કરવા માટે પ્રગટ રીતે ઉદય પામ્યો, એવામાં સાગરમાંથી જળ લાવીને પૃથ્વીને પૂરી દીધા પછી મેઘ પણ માર્ગના શ્રમથી પથિક જેમ વિસામો લે, તેમ તે વિરામ પામ્યો, એટલે વજમુનિના સુંદર વ્રતથી સંતુષ્ટ થયેલા દેવતાઓએ વણિક બનીને પારણા માટે તેને નિમંત્રણ કર્યું, એટલે ત્રણ એષણામાં ઉપયોગ રાખનાર અને આહારમાં આદર રહિત એવા વજમુનિ ગુરુની અનુમતિ લઈને ત્યાં આહાર વહોરવા ગયા. તે વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનો તેમણે ઉપયોગ મૂક્યો. તો દ્રવ્યથી કોળાનો પાક જોવામાં આવ્યો, ક્ષેત્રથી માલવ દેશ હતો, અને કાળ ગ્રીષ્મઋતુ હતી, પણ ભાવનો વિચાર કરતાં તે દેવતા નીકળ્યા. તેમના ચરણન્યાસ પૃથ્વીતલનો સ્પર્શ કરતા ન હતા અને તેમની પુષ્પમાળા અમ્લાન હતી. આથી વજમુનિ વિચારવા લાગ્યા કે – ‘સાધુને દેવપિંડ કલ્પ નહિ, એમ વિચારી તેમણે આહારનો નિષેધ કર્યો. તેથી દેવો પરમ હર્ષને પામ્યા અને પ્રગટ થઈને, સંવૃત્તના તેજથી સૂર્ય સમાન દેદીપ્યમાન એવા વજમુનિને તેમણે વંદન કર્યું.
પછી ગુરુ મહારાજ સાથે તેમણે અન્યત્ર વિહાર કર્યો. એવામાં એકવાર પ્રથમની જેમ તે દેવોએ વજમુનિને ઘેબરનું નિમંત્રણ કર્યું. ત્યાં પણ જ્ઞાનોપયોગથી તેમણે નિષેધ કર્યો એટલે દેવોએ પ્રસન્ન થઈને તેમને