________________
શ્રી વજસ્વામી ચરિત્ર
S શ્રી વજસ્વામી ચરિત્ર
પૃથ્વીરૂપ તલાવડીના કમળ સમાન અવંતી નામે દેશ છે કે જેના ગુણોથી આકર્ષાઈને લક્ષ્મી અને સરસ્વતી બંને મિત્રતા કરીને ત્યાં રહેતી હતી. તે દેશમાં તુંબવન નામે એક સમૃદ્ધ નગર હતું કે જ્યાં નિવાસ કરવાને દેવતાઓ પણ ઉત્સુક થઈ રહ્યા હતા. તે નગરમાં ધન નામે એક શેઠ હતો કે જેના અપરિમિત દાનથી જીતાયેલા - કલ્પવૃક્ષો અને કામધેનુએ સ્વર્ગનો આશ્રય લીધો હતો. એ શેઠનો ધનગિરિ નામે એક પુત્ર હતો કે જે અર્થી જનોની દુઃસ્થિતિરૂપ નાગરમોથનો ઉચ્છેદ કરવામાં મહાવરાહ સમાન અને રૂપમાં કામદેવ જેવો હતો. બાલ્યાવસ્થાથી જ તેનું મન, પંડિતોની જેમ વિવેકથી કુશળ બન્યું હતું. વળી મહાત્માઓના સંસર્ગથી તે પાણિગ્રહણ કરવાને ઇચ્છતો ન હતો. - હવે તે નગરમાં મહા ધનવાન ધનપાલ નામે એક વ્યવહારી વસતો હતો કે જેની લક્ષ્મી જોતાં લક્ષ્મીપતિકૃષ્ણ સમુદ્રનો આશ્રય લીધો. તેને આર્યસમિત નામે પુત્ર હતો અને સુનંદા નામે પુત્રી હતી. એ બંનેનો સમાગમ ત્યાં લક્ષ્મી અને કૌસ્તુભ જેવો શોભારૂપ હતો. ત્યાં સુનંદાને યૌવન પામેલ જોઈને તેના પિતા ધનપાલે તેને માટે મહાગુણવાન ધનગિરિ વર ધારી લીધો. તેનો પુત્ર આર્યસમિત ગૃહવાસમાં વસતાં પણ વિનશ્વર ભોગોમાં વિરક્ત થઈને રહેવા લાગ્યો અને તેણે ઋતરૂપ ચંદનના મલયાચલરૂપ તથા નિવૃતિ-સ્થાનની નજીક પહોંચેલા એવા શ્રી સિંહગિરિ પ્રભુ પાસે દીક્ષા લીધી.
પછી એક દિવસે સુજ્ઞ ધનપાલે ધનગિરિને કહ્યું કે – “સાગર ને રેવા નદીની જેમ મારી સુનંદા પુત્રીનો તું સ્વીકાર કર.'
ત્યારે ધનગિરિ બોલ્યો-“તત્ત્વને જાણનાર એવા તમારા જેવા સહૃદય મિત્રો, મને સંસારરૂપ કેદખાનાના બંધનમાં નાખે, એ શું ઉચિત કહેવાય ?'
ધનપાલે કહ્યું – “હે ભદ્ર ! પૂર્વે ઋષભદેવ સ્વામી આ અવશ્ય ભોગવવા પડે તેવા ભોગકર્મને ભોગવીને ભવસાગરથી મુક્ત થયા. તો આ કાંઈ અનુચિત નથી, માટે હે મહાનુભાવ ! મારું વચન તું માન્ય કર.”
આ પ્રમાણે તેના આગ્રહથી પોતાનું મન વિરક્ત હોવા છતાં ધનગિરિએ તેનું વચન કબુલ રાખ્યું. પછી શુભ લગ્ન મોટા ઓચ્છવપૂર્વક તેણે સુનંદાનું પાણિગ્રહણ કર્યું અને ઇતર સામાન્ય મનુષ્યોને દુર્લભ એવા વિષયસુખને તે આસક્તિ રાખ્યા વિના ભોગવવા લાગ્યો.
એવામાં એકવાર શ્રીગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વતના શિખર પર જે વૈશ્રમણ જાતિના એક દેવતાને પ્રતિબોધ આપ્યો હતો, તે દેવ પોતાનું આયુષ્ય ક્ષીણ થતાં સુનંદાની કુક્ષિણપ સરોવરમાં અવતર્યો, એટલે વિયોગ પામતાં મિત્રદેવોએ પૂર્વના દેઢ પ્રેમને લીધે સુનંદાને શ્રેષ્ઠ સ્વપ્નો બતાવ્યાં.