________________
શ્રી પ્રભાવકચરિત્ર
દ્રવ્યમાંથી લગભગ ૫૦૦૦૦ રૂપિયા તો યજ્ઞક્રિયામાં ખર્ચાઈ ચુક્યા હતા અને બાકીનાથી તેણે ‘પિપ્પલાનક’ નામના ગામમાં જૈનચૈત્ય કરાવવા માંડેલ, પણ તેટલામાં ત્યાં આવેલ કોઈ અવધૂતે તે સ્થળે સ્ત્રીનું શલ્ય હોવાનું અને તે કાઢીને પછી દેરું બનાવવાનું કહ્યું. એ ઉપરથી થયેલ કામ પાછું ઉકેલવા માંડ્યું પણ તે સમયમાં તે ન ઉકેલવા કોઈ અજ્ઞાત આદેશ થયો. આ ઉપરથી આચાર્યે ધ્યાન કર્યું. જેથી એક દેવી પ્રત્યક્ષ થઈને કહેવા લાગી કે ‘હું કાન્યકુબ્જના રાજાની પુત્રી હતી અને મને સુખડીમાં આપેલ આ દેશમાં સુખપૂર્વક રહેતી હતી, પણ મને ‘આ દેશનો મ્લેચ્છોથી ભંગ થશે' એ ભય લાગ્યો તેથી હું કૂવામાં પડીને મરી ગઈ અને આ ભૂમિની અધિષ્ઠાયિકા દેવી થઈ છું. આ સ્થળે મારું ઘણું ધન પડેલું છે માટે અત્રેથી શલ્ય (અસ્થિ-હાડકાં) નહિ કાઢવા દઉં, પણ જીવદેવસૂરિએ તેણીને ત્યાં ભુવનદેવી તરીકે સ્થાપવાની શરતે શાન્ત કરીને તેની અનુમતિથી ભૂમિ શુદ્ધ કરીને ચૈત્ય તૈયાર કરાવ્યું અને તેમાં ભુવનદેવીની પણ દેહરી બનાવી, તે દેવી હજી પણ ધાર્મિકોથી પૂજાય છે.
24
જ્યારથી લલ્લશેઠ જૈન થયો હતો ત્યારથી જ વાયડના બ્રાહ્મણો તેના ઉપર અને ખાસ કરીને જીવદેવસૂરિ ઉપર દ્વેષભાવ રાખવા લાગ્યા હતા. પરિણામે એકવાર તેમણે એક મૃતપ્રાય ગાય જીવદેવસૂરિ આશ્રિત મહાવીરના દેહરામાં વાળી દીધી. પ્રભાત સમયમાં સાધુઓએ જોયું કે ચૈત્યના ખાસ સ્થાનમાં મરેલ ગાય પડી છે, તેમણે એ વાત જીવદેવસૂરિને કરી, જે ઉ૫૨થી તેમણે એકાન્તસ્થાનમાં બેસીને પોતાના શરી૨માંથી પ્રાણ કાઢી ગાયના શરીરમાં પ્રવેશ્યા અને ગાય ત્યાંથી ઉઠીને બ્રહ્માના મંદિરમાં ગર્ભગૃહમાં જઈને પેસી ગઈ અને તે પછી નિર્જીવ થઈ ગઈ. આ આશ્ચર્યકારક ઘટનાના સમાચાર પૂજારીએ બ્રાહ્મણોને કહ્યા, બ્રાહ્મણો અને સર્વ વિચા૨વાન મનુષ્યોને આ ઘટના એક ઉત્પાત જેવી લાગી અને પહેલા દિવસે બ્રાહ્મણ જુવાનોએ જે જૈનોની છેડછાડ કરી હતી તેનું જ એ પરિણામ હોવાનો તેમણે નિશ્ચય કર્યો અને જીવદેવસૂરિને આવીને આજીજી કરી કે આ ગાય જીવતી થઈ ઉઠીને બહાર જાય એવો ઉપાય કરો, પણ જીવદેવે તેમના કહેવા ઉ૫૨ બહુ લક્ષ્ય ન આપ્યું ત્યારે તેમણે ત્યાં બેઠેલ લલ્લ શેઠને પ્રાર્થના કરી કે તે આચાર્યને કહીને આ સંકટમાંથી અમારો ઉદ્ધાર કરાવે' આ સાંભળી લલ્લે ટીકા કરતાં કહ્યું કે ‘આજકાલ તમે લોકોએ જે ઉત્પાત મચાવ્યો છે તેના પરિણામે જેટલી દુર્ઘટનાઓ ન થાય તેટલી થોડી છે.' પણ બ્રાહ્મણોએ કોઈ પણ શરતે આ સંકટમાંથી ઉદ્ધરવાની જ પ્રાર્થના કરી. જે ઉપરથી લલ્લે જૈનોની સાથે આ પ્રમાણે શરતોની સાથે સુલેહનામું તૈયાર કર્યું કે “જૈનો વાયડમાં ગમે તે ધાર્મિક ઉત્સવો કરે તેમાં કોઈએ કોઈપણ પ્રકારનું વિઘ્ન નાખવું નહિ, (વાયડમાં જે કંઈપણ ધાર્મિક કાર્યવ્યવસ્થા થશે તેમાં) મહાવીરના સાધુઓનો ભાગ પહેલો રહેશે. (જીવદેવની ગાદી ઉ૫૨) જે નવીન આચાર્ય બેસે તેનો બ્રાહ્મણોએ સુવર્ણનું યજ્ઞોપવીત પહેરાવીને બ્રહ્માના મંદિરમાં પટ્ટાભિષેક કરવો’
લલ્લે ઉપર પ્રમાણે મર્યાદા બાંધવા કહ્યું અને બ્રાહ્મણોએ તે પ્રમાણે કબૂલ કર્યું. તે પછી તેણે જીવદેવસૂરિને મહાસ્થાન (વાયડ)નો ઉદ્ધાર કરવા કહ્યું, અને આચાર્યે એકાન્તમાં જઈ પોતાના પ્રાણ ખેંચીને ગાયમાં પ્રવેશ્યા, ગાય ઉઠીને ત્યાંથી બહાર નીકળીને દૂર ચાલી ગયા પછી આચાર્યે તેમાંથી પોતાના પ્રાણ ખેંચી લીધા. એ ઘટના પછી જૈનો અને બ્રાહ્મણો વચ્ચે જે ભાઈઓના જેવો સંબન્ધ સ્થાપિત થયો હતો તે આજે પણ ત્યાં ચાલી રહ્યો છે.