________________
274
શ્રી પ્રભાવક ચરિત્ર
બ્રહ્માના મુખ-કમળરૂપ વનમાં હંસવધુ સમાન એવી શુદ્ધ વર્ણવાળી સરસ્વતી નિરંતર મારા મનમાં રમણ કરો.”
એમ સાંભળતાં સૂરાચાર્ય કંઈક હાસ્યપૂર્વક કહેવા લાગ્યા–“આવા પ્રકારના વિદ્વાનો આ જ દેશમાં છે. અન્યત્ર નહિ હોય. પૂર્વે સરસ્વતી કુમારી અને બ્રહ્મચારિણી અમારા સાંભળવામાં આવી છે, અને અત્યારે તેમાં વધુ તરીકે બતાવી છે. એ તો અપૂર્વ આશ્ચર્ય છે. આવું ક્યાંય સાંભળ્યું નથી. વળી બીજું પણ કંઈક હું તમને પૂછવા માગું છું કે–દક્ષિણ દેશમાં જેમ મામાની પુત્રી સાથે સંબંધ થાય છે. સૌરાષ્ટ્રમાં ભ્રાતાની પત્ની (ભાભી) જેમ દીયર પરણી શકે, તેમ તમારા દેશમાં લઘુ બંધુના પુત્રની વહુ ગમ્ય હશે કેમ? કે જેથી વધુ શબ્દની સમીપે. “માનસે રમતાં મમ' એ પ્રયોગ કર્યો. તેથી દેશાચાર ભિન્ન ભિન્ન હોય જ છે.” આ પ્રશ્નનો ઉત્તર આપવાને અસમર્થ એવા ઉપાધ્યાયે વચમાં બીજી વાતો ચલાવી અને તે વખતે શિષ્યોનો અભ્યાસ બંધ રાખીને ત્યાં સમય વ્યતીત કર્યો.
પછી સંધ્યા વખતે તે અધ્યાપક ભોજ રાજા પાસે ગયો અને તેણે રાજાને આશ્ચર્યકારી તે વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળતાં વિસ્મય પામેલ રાજા કહેવા લાગ્યો કે–“ગુર્જરભૂમિમાં એ બધું સંભવિત છે. માટે પ્રભાતે અવશ્ય એ વિદ્વાનને બોલાવીને જોઈશું.” પછી રાજાએ પ્રભાતે તે મઠના આચાર્ય પાસે તે અતિથિને બોલાવવા માટે પોતાના સેવકો મોકલ્યા અને ભક્તિપૂર્વક તેમને બોલાવ્યા. એટલે ચૂડસરસ્વતી આચાર્યની સાથે સૂરાચાર્ય સ્વર્ગસભા સમાન ભોજરાજાની સભામાં ગયા. તે વખતે રાજાએ રાજભવનના આંગણે એક શિલા, ગુર્જર વિદ્વાન પાસે પોતાની કળા બતાવવા માટે મૂકાવી હતી. તેમાં એક છિદ્ર કરાવીને તે પ્રથમથી જ કાદવથી પૂરી દીધેલ હતું. કારણ કે તેવા પુરુષો પણ છળ જોનારા હોય છે. હવે તે આચાર્યને આવતા જોઈને રાજાએ લક્ષ્યમાં દૃષ્ટિ સ્થાપતાં કર્ણ સુધી ધનુષ્ય ખેંચીને બાણ છોડ્યું. સૂરાચાર્યે પણ સૂક્ષ્મ દૃષ્ટિથી કાદવથી પૂરેલ શિલામાંનું છિદ્ર જોઈ લીધું. તે બાણના અગ્રભાગથી ભેદાયેલ જોતાં આચાર્ય તેવા અર્થને સૂચવનાર એક કાવ્ય બોલ્યા
"विद्धा विद्धा शिलेयं भवतु परमतः कार्मुकक्रीडितेन, श्रीमत्पाषाणभेदव्यसनरसिकतां मुंच मुंच प्रसीद । वेधे कौतूहलं चेत्कुलशिखरिकुलं बाणलक्षीकरोषि,
ध्वस्ताधारा धरित्री नृपतिलक तदा याति पातालमूलम्" ॥१॥ અહો ! આ શિલાને તો તે વીંધી નાખી, હવે ધનુષ્યક્રીડાથી સર્યું. માટે પ્રસન્ન થઈને પાષાણ ભેદવાના વ્યસનની રસિક્તાને તું મૂકી દે, જો લક્ષ્ય ભેદવામાં તને કુતૂહલ છે અને કુળપર્વતોને બાણના લક્ષ્ય બનાવે છે, તો તે નૃપતિલક ! નિરાધાર બનેલ આ પૃથ્વી પાતાળમાં પેસી જશે.”
એ પ્રમાણે અદ્ભુત સામર્થ્યયુક્ત વર્ણનથી રાજા ભારે સંતુષ્ટ થયો. તે વખતે ધનપાલે પણ સૂરાચાર્યને અસાધારણ પ્રજ્ઞાયુક્ત જાણી લીધા. એટલે તેને વિચાર આવ્યો કે-“અહો ! એ વિદ્વાનની બુદ્ધિ અને વિજ્ઞાન કેવું અદ્ભુત છે? વળી એણે રાજાને કેવી ગર્ભિતોક્તિ સંભળાવી ? માટે જૈનોને કોણ પોતાની પ્રજ્ઞાથી જીતી શકે ?