________________
272
શ્રી પ્રભાવક ચરિત્ર
પ્રશ્ન પૂર્વક સૂરાચાર્યને પ્રણામ કર્યા. પછી આચાર્યે તેમને અતિથિ સમજીને ગોચરી માટે ન મોકલ્યા અને શુદ્ધ આહાર લાવીને તેમને ભક્તિપૂર્વક ભોજન કરાવ્યું. ત્યાં સાધર્મિક, રાજા અને શ્રાવકોના કુશળ પ્રશ્નના વિનોદમાં તેમણે ભારે સંતોષથી બાકીનો સમય વ્યતીત કર્યો.
એવામાં એક વખતે ભારે પ્રભુતાને લીધે રાજાને ગર્વ થયો. કારણ કે કમળથી પણ કીટ (જંતુ) ઉત્પન્ન થાય છે. એટલે છએ દર્શનોને ભેગા કરીને તેણે જણાવ્યું કે તમે જુદા જુદા આચારમાં રહીને લોકોને ભમાવો છો, માટે દર્શનના તમે બધા પંડિતો સાથે મળીને એક દર્શન કરી દો. કે જેથી અમે લોકો સંદેહમાં ન પડીએ.”
ત્યારે કેટલાક મુખ્ય મંત્રીઓએ રાજાને નિવેદન કર્યું કે– સ્વામિન્ ! આપણો કોઈ પૂર્વજ એવું કામ કરવા સમર્થ થઈ શક્યો નથી.'
એટલે રાજાએ પુનઃ પ્રશ્ન કર્યો કે–પરમાર વંશમાં પૂર્વે કોઈ પણ રાજા પોતાની શક્તિથી ગૌડ દેશસહિત દક્ષિણ દેશનો ભોક્તા શું થયો છે ?'
એમ સાંભળતાં બધા લોકો મૌન રહ્યા. એટલે રાજાએ પોતાના સેવકો દ્વારા તે બધા લોકોને પશુઓની જેમ એક વાડામાં એકત્ર કર્યા. ત્યાં એક હજાર પુરુષો અને સ્ત્રીઓને પણ લઈ જવામાં આવી. તેમને બધાને એકમત કરવાની ઇચ્છાથી રાજાએ ભોજન આપવાનું પણ બંધ કર્યું. વિવિધ ધાન્યોમાં જેમ એક રસ ઉપલબ્ધ ન થાય, તેમ અનાદિસિદ્ધ પોતપોતાના શાસ્ત્રોનાં પ્રમાણોથી તેમની એક્તા ક્યાંથી થાય? છતા ચિંતારૂપ મહાઇવર ઉપસ્થિત થતાં પોતાના જીવનું રક્ષણ કેમ થાય-એવા વિચારથી સુધાના ત્રાસને લીધે તેમનામાં એકતા આવી.
એવામાં પોતાના દર્શનની સ્થિતિ પ્રમાણે સૂરાચાર્ય પણ તેમનામાં ભળ્યા. એટલે તે બધા લોકોએ એક થઈને સાંત્વનાપૂર્વક આચાર્યને જણાવ્યું કે-“આ રાજા તો કાલ (યમ) જેવો લાગે છે કે જે આ રીતે બધા દર્શનોનું ઐક્ય કરવાને ઇચ્છે છે, પરંતુ તેમ કદિ થયું નથી અને થવાનું પણ નથી. તમે ગુર્જરવાસી મહાપ્રવીણ છો, તો કોઈ વચનયુક્તિ વડે રાજાને એ દઢ કુવિકલ્પથી અટકાવો, અને હજારો લોકોને પ્રાણદાન આપતાં આપ ભારે અગણનીય પુણ્ય ઉપાર્જન કરો.'
એમ સાંભળતાં સૂરાચાર્ય કહેવા લાગ્યા કે “જો રાજા પણ પ્રતિબોધ ન પામે, તો અમ અતિથિનું અહીં આગમન શા કામનું ? પરંતુ દર્શનોનો ક્રિયા માર્ગ ભિન્નભિન્ન છે, માટે તેને ઉચિત કંઈક પ્રયત્ન કરીને તમને હું મુક્ત કરાવીશ.”
પછી ગુરુ મહારાજે અમાત્ય દ્વારા રાજાને કહેવડાવ્યું કે–“રાજાની પાસે ગમનાગમન સામે ચાલીને અમે કરતા નથી, પરંતુ ઘણા દર્શની લોકોની અનુકંપા લાવીને મારે, જો રાજા ધ્યાનમાં લે, તો કંઈક સંભળાવવું છે.” ત્યારે રાજાએ જણાવ્યું કે “એ ગુર્જર કવિરાજ ભલે સત્વરે અહીં આવે.” એટલે મંત્રીઓની સાથે આચાર્ય રાજમંદિરે ગયા અને રાજાને કહ્યું : “હે રાજન્ ! તમે અતિથિનું અદ્ભુત આતિથ્ય કરો છો, તપસ્વીઓનું પણ સમ્યગુ ઔચિત્ય સાચવો છો પણ, હવે અમારું કોઈ કામ નથી, તમે આ બધા દર્શનીઓને વાડામાં પૂર્યા છે તે જોઈને અમારું મન દૂભાય છે. માટે અમે અમારા સ્થાને જઈશું. પણ ત્યાં જઈને અમારે અહીંનું શું સ્વરૂપ કહેવું ? ધારાનગરીમાં તમારી આવી જ વ્યવસ્થા છે ? એમ અમે તમને પૂછીએ છીએ.”