________________
શ્રી વિજયસિંહસૂરિ
એ જ ગ્રન્થકાર વૃદ્ધવાદિના પ્રબંધમાં લખે છે કે “પાદલિપ્ત પ્રભુ અને ગુરૂ વૃદ્ધવાદી વિદ્યાધર વંશના હતા એ વાત ગિરનારના એક મઠની પ્રશસ્તિ ઉપરથી લખી છે.”
કાલકાચાર્યથી ‘વિદ્યાધર” ગચ્છ નીકળ્યાની વાત દત્તકથાથી અધિક પ્રામાણિક જણાતી નથી અને ગિરનારની પ્રશસ્તિ આજે વિદ્યમાન નથી એટલે એ ઉપર પણ બહુ વજન ન મૂકી શકાય; છતાં એ વાત માની લઈએ કે પાદલિપ્તની ગુરુ પરંપરાની સાથે વિદ્યાધર શબ્દનો પ્રયોગ થતો હતો, પણ એ પ્રયોગ કેવી રીતે થતો ? શાખા તરીકે, કુલ તરીકે કે ગચ્છ તરીકે ? કલ્પવિરાવલીના લેખ પ્રમાણે આર્યસુહસ્તીના શિષ્ય યુગલ સુસ્થિત–સુપ્રતિબદ્ધથી નિકળેલ કોટિકગણની એક શાખાનું નામ “વિદ્યાધરી' હતું, જે એ જ સ્થવિર યુગલના શિષ્ય ‘વિદ્યાધર ગોપાલથી પ્રકટ થઈ હતી અને વજસેનના શિષ્ય “વિદ્યાધર' થી વિદ્યાધર કુલ'ની ઉત્પત્તિ થયાનો પણ લેખ છે. આ વિદ્યાધર સ્થવિર પટ્ટાવલિઓની ગણના પ્રમાણે વિક્રમ સંવત ૧૫૦ ના વર્ષમાં શ્રી વજસેનના પટ્ટધર થયા હતા અને એ જ વર્ષમાં આર્યનાગહસ્તિ વજસેન પછી યુગપ્રધાન બન્યા હતા અને ૬૯ વર્ષ પર્યન્ત યુગપ્રધાન પદ પર રહ્યા હતા. આથી એ આચાર્ય વિધાધરના સમકાલીન હોવા છતાં વિદ્યાધર કરતાં અવસ્થામાં અને જ્ઞાનમાં અધિક સ્થવિર હશે એમ જણાય છે. આ સંયોગોમાં આર્યનાગહસ્તિ વજન શિષ્ય “વિદ્યાધરથી પ્રસિદ્ધ થયેલા વિદ્યાધર કુલ' ના હોવા સંભવતા નથી, ત્યારે હવે એમને વિદ્યાધર ગોપાલની ‘વિદ્યાધરી શાખા” ના જ સ્થવિર ગણવા યુક્તિયુક્ત ગણાય છે. પ્રાચીન સમયની કેટલીક શાખાઓ કાલાંતરે ‘કુલ' ના નામથી પ્રસિદ્ધ થઈ અને પછીના સમયમાં કુલો “ગચ્છો' ના નામથી પ્રસિદ્ધ થયાં એ જ હકીકત આર્યનાગહસ્તિના ‘વિદ્યાધર ગચ્છના સંબંધમાં પણ બનવા પામી લાગે છે. ઘણા જુના કાળમાં એ “વિદ્યાધરી’ શાખા હશે અને કાળાન્તરે તે શાખા મટીને “કુલ' ના નામથી પણ પ્રકાશમાં આવી હશે, અને છેવટે કુલનું પણ નામ છોડીને “ગચ્છ” નું નામ ધારણ કર્યું હશે એમ લાગે છે આ ઉપરથી પાદલિપ્તસૂરિને (વિદ્યાધર) કુલના અથવા વિદ્યાધર વંશના કહીએ તો કંઈ પણ હરકત નથી.
છે ૬. શ્રી વિજયસિંહસૂરિ
વિજયસિંહસૂરિનું વૃત્તાન્ત પ્રબન્ધકારે સાંભળીને લખ્યું હશે એમ પ્રબન્ધના પ્રારંભિક લેખ ઉપરથી જણાય છે અને એ જ કારણે એમના માતા પિતા, જન્મભૂમિ અને ગુરૂ આદિ વાતોનો કંઈ પણ ઉલ્લેખ કર્યો નથી. માત્ર એટલું જ લખ્યું છે કે “એ સિદ્ધ મહાત્મા ભરૂચ નગરમાં આર્યખપતના વંશમાં થઈ ગયા છે' અને એ જ પ્રસંગથી ભરૂચના પ્રાચીન ઈતિહાસ અશ્વાવબોધ તીર્થની ઉત્પત્તિ અને શકુનિકા વિહારનું વૃત્તાન્ત લખ્યું છે, આ બધી હકીકત પૌરાણિક ઢબની હોવાથી એમાં ઐતિહાસિક ચર્ચાને અવકાશ નથી; છતાં એટલું તો ખરૂં છે કે ભરૂચમાં ઘણા જ પ્રાચીન કાલથી વીસમા તીર્થંકર મુનિસુવ્રતનું તીર્થરૂપ ચૈત્ય હતું જે પ્રથમ અશ્વાવબોધ' એ નામથી ઓળખાતું હતું અને સિંહલ રાજાની પુત્રી સુદર્શનાએ તેનો જીર્ણોદ્ધાર કરાવીને શકુનિકા વિહાર' એ નામ પાડ્યું હતું.