________________
શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર
195
"पियसंभरणपलुटुंतं अंसुधारानिवायभीयाए ।
दिज्जइ वंकग्गीवाइ दीवओ पहियजायाए ॥ १ ॥ એટલે-પ્રિયતમ યાદ આવવાથી ખેદને લીધે આંસુની ધારા પડવાથી દીપક બુઝાઈ ન જાય ભયથી માર્ગે ચાલતાં રમણી, વાંકી ડોક કરીને ચાલે છે.'
એ પ્રમાણે વિવિધ કાવ્યગોષ્ઠીથી આનંદ પામતાં શ્રી બપ્પભક્ટિ ગુરુ અને રાજાએ કેટલોક કાળ સુખે વ્યતીત કર્યો.
એવામાં એક વખતે સુજ્ઞ ધર્મરાજાએ દુષ્કતના વિરોધી એવા શ્રીમાન આમ રાજાને પોતાનો દૂત મોકલ્યો, એટલે આમ રાજાની સભામાં આવી રાજાને પ્રણામ કરીને ઉચિત આસને બેસતાં આશ્ચર્ય પૂર્વક સભ્યો જેના મુખને જોઈ રહ્યા છે એવા દૂતે રાજાને વિનંતી કરી કે હે પ્રભો ! તમારા ચાતુર્યથી મારા સ્વામી ભારે સંતુષ્ટ થયા છે અને તેણે આશ્ચર્ય સાથે એમ સ્પષ્ટ કહેવરાવ્યું છે કે તમારા પંડિત-વર્ગમાં મુગટ સમાન શ્રીબપ્પભટ્ટસૂરિએ પોતાની સત્યાસત્ય વાણીના વ્યાખ્યાનથી અમને છેતરી લીધા, જેથી અસાધારણ બુદ્ધિશાળી આમ રાજા મારે ઘરે આવ્યાં છતાં અને આતિથ્યને યોગ્ય છતાં હું તેનો આદર સત્કાર કરી શક્યો નહિ. એ અમને ભારે પશ્ચાત્તાપ થાય છે. હૃદયને વિકાસ પમાડનાર એ પાંડિત્ય અને વચનાતીત એ સાહસ એ ચમત્કારથી અમે ભારે સંતુષ્ટ થયા. માટે હે આમ ! અમે કંઈક કહીએ છીએ. અમારા રાજ્યમાં વર્તનકુંજર નામે બૌદ્ધ વિદ્વાન છે. તે મહાવાદી, દેઢ પ્રતિજ્ઞાવાળો અને સેંકડો વાદીઓના વિજેતા છે. તે તમારા સીમાડાની સરહદ પર આવીને વાદ કરશે અને અમે કૌતુકથી સભ્યો સાથે ત્યાં આવીશું. તમારામાં જે કોઈ વાદ કરવામાં વિચક્ષણ હોય, તે પણ મેઘની જેમ ઉન્નત થઈને વિદ્વાનોની સાથે ત્યાં આવે. એ બંનેનું વાયુદ્ધ જ થવા દેવું અને જેનો વાદી જીતાય, તે પોતે પરાજિત થયો એમ સમજી લેવું. જ્યાં ઘણા સુભટોનો નાશ થાય; તેવું યુદ્ધ શા માટે કરવું જોઈએ ? તારી ભુજા અને વાણીમાં શૌર્ય છે, તારા વાદી પણ અપરાજિત છે જો એ બૌદ્ધાચાર્ય મહાવાદી જીતાય, તો તેના બીજા વાદીઓ પણ જીતાયા સમજવા અને તે જીતાતાં અમને પણ તમે અનાયાસે જીતી લીધા એમ સમજવું, કારણ કે વૃતપિંડમાં જેમ સ્નેહ (ચીકાશ) તેમ જળમાં હિમનો નિશ્ચય થાય છે.”
એ પ્રમાણે દૂતના મુખથી સાંભળતાં આમ રાજા તેને કહેવા લાગ્યો કે—ધર્મરાજા શું કદાપિ અનુચિત બોલે ? પરંતુ આ અવસરે કંઈપણ ઉપાલંભ આપવો તે સજ્જન પુરુષોને યોગ્ય નથી; કારણ કે પ્રસંગ દુર્લભ કહેલ છે. તે વખતે એ વિદ્વાન મિત્રને બોલાવવાના મિષે હું ત્યાં મળવા આવ્યો હતો, અને તે અમે સ્પષ્ટ જણાવી દીધું તેમાં બીજઉરા અને દોરા એ બે સંસ્કૃત વાક્યોથી બીજો રાજા અને બે રાજા, એમ બંધુની રીતથી જણાવી દીધું. વળી તુવેરનું પત્ર બતાવતાં બપ્પભક્ટિ ગુરુએ અરિપાત્ર એમ સંસ્કૃતથી તે કહી બતાવ્યું. એ પ્રમાણે ત્રણ વાર કહ્યા છતાં તું સ્પષ્ટ સમજી શક્યો નહિ. ત્રીજા વચનમાં પણ ગૂઢતા ન હતી કારણ કે તે પણ પ્રગટ રીતે કહેવામાં આવ્યું પણ અજ્ઞાનતાથી પુલ્લિગ, નપુંસકલિંગનો ભેદ ન રહ્યો, આ રીતે તારો સ્વામી તથા ત્યાં બેઠેલા વિશિષ્ઠ પુરુષોને જણાવ્યું હતું તેમ છતાં હજી તારા રાજાની મને જીતવાની ઈચ્છા હોય, તો એ તારી શ્રદ્ધાને પણ પૂર્ણ કરીશ. ભલે એ તારું વચન પણ કબૂલ છે. પરંતુ તેમાં પરાભવ પામનાર રાજાએ ગર્વ વિના પોતાનું સપ્તાંગ રાજય વિજય પામનાર રાજાને સમર્પણ કરી દેવું જોઈએ. એમ જો તારો રાજા કબૂલ કરતો હોય, તો કબૂલ છે, નહિ તો નકામો પ્રયાસ કરવાની અમારી ઇચ્છા નથી.”