________________
શ્રી પ્રભાવક ચરિત્ર
છે. માટે તેને ઉઘાડીશ નહિ.' એમ નિષેધ કરીને પોતે તીર્થયાત્રા કરવાની ઈચ્છાથી વિહાર કર્યો. પછી માતાની પરોક્ષમાં ગુરુએ નિવા૨ણ કરેલ હોવા છતાં તે પુસ્તક ખોલીને તેના પ્રથમ પત્રમાં મલ્લમુનિએ આ શ્લોક વાંચ્યો—
174
“विधि नियमभंगवृत्तिव्यतिरिक्तत्वादनर्थकमवोचत् । जैनादन्यच्छासन- मनृतं भवतीति वैधर्म्यम् ॥ १ "I
એટલે—‘વિધિ, નિયમ, ભાંગા અને વૃત્તિ રહિત હોવાથી જૈનશાસન કરતાં અન્યશાસન અનર્થ કરનાર કહેલ છે અને અસત્ય છે, તે અધર્મ જ છે.'
એ શ્લોકનો અર્થ વિચારતાં શ્રુતદેવીએ તેના હાથમાંથી તે પુસ્તક અને પત્ર છીનવી લીધાં. અહો ! ગુરુવચનનું અપમાન કરવાથી વિપરીત જ થાય છે. પછી કર્તવ્ય મૂઢ બનેલ મલ્લમુનિ ભારે આકુળ વ્યાકુળ થઈ ગયા અને બાળપણાને લીધે તે રોવા લાગ્યા. કારણ કે દેવતા સાથે શું બળ ચાલે ? ત્યારે માતાએ રૂદનનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે—‘મારા હાથમાંથી પુસ્તક ગયું,' આથી તેના નિમિત્તે સંઘને ભારે ખેદ થઈ પડ્યો.
પછી મલ્લમુનિએ વિચાર કર્યો કે—સાધુ પુરુષ પોતાની સ્ખલના પોતે સુધારે છે.' એમ ધારી સુન્ન મલ્લમુનિ શ્રુતદેવતાની આરાધના કરવા લાગ્યા. ત્યાં ગિરિખંડ નામના પર્વતની ગુફામાં રહેતાં છઠ્ઠ તપના પારણે રૂક્ષ ધાન્યનું ભોજન કરતા; આથી પણ તેમની માતા સહિત સંઘને ભારે વિષાદ થયો. કારણ કે અજ્ઞ જનોને શ્રુતનું તેવું પાત્ર મળવું બહુ દુર્લભ છે. પછી સંઘે ચાતુર્માસિક પારણામાં તેમને વિગઈ લેવરાવી, સાધુઓએ ત્યાં જઈને તે મુનિને ભોજન આપ્યું.
ત્યારબાદ શ્રીસંઘે આરાધેલા શ્રુતદેવતાએ તેની પરીક્ષા કરવા જણાવ્યું કે—‘મિષ્ટ શું ?’
એટલે તપોનિધાન મલ્લમુનિએ ઉત્તર આપ્યો—‘વાલ (ધાન્ય વિશેષ)' વળી છ મહિનાને આંતરે દેવીએ પુનઃ પ્રશ્ન કર્યો—‘શેની સાથે ?’
ત્યારે મુનિએ પૂર્વનો સંબંધ યાદ કરીને જણાવ્યું કે—ગોળ અને ઘી સાથે’ અર્થાત્ ગોળ અને ઘી સાથે વાલ મધુર લાગે છે. આ તેમની ધારણા શક્તિથી સંતુષ્ટ થઈને દેવી કહેવા લાગી કે—‘હે ભદ્ર ! વર માગ.’ એટલે તે મુનિ બોલ્યા—‘હે શ્રુતદેવી ! મને તે પુસ્તક આપો.'
ત્યારે દેવી બોલી—‘હે ભદ્ર ! તું સાવધાન થઈને મારું વચન સાંભળ—એ ગ્રંથ પ્રગટ કરતાં દ્વેષી દેવો ઉપદ્રવ કરે તેમ છે. તું એક શ્લોકમાં સર્વ અર્થને ગ્રહણ કરી શકીશ.' એમ કહીને દેવી અંતર્ધાન થઈ અને મલ્લમુનિ પાછા ગચ્છમાં આવ્યા. પછી તેમણે દશ હજાર શ્લોકના પ્રમાણવાળું નવું નયચક્ર શાસ્ત્ર બનાવ્યું. તે પૂર્વે ગ્રંથાર્થના પ્રકાશવડે સર્વને માન્ય થઈ પડ્યું, ત્યાં રાજાની સંમતિથી શ્રીસંઘે મહોત્સવપૂર્વક તે ગ્રંથને ગજરાજ પર આરૂઢ કરીને નગરમાં પ્રવેશ કરાવ્યો.
હવે એકવાર શ્રી જિનાનંદસૂરિ ચિરકાળે ત્યાં પધાર્યા એટલે સંઘે ગુરુને પ્રાર્થના કરીને મલ્લમુનિને આચાર્યપદે સ્થાપ્યા. વળી શ્રી અજિતયશમુનિએ એક પ્રમાણગ્રંથ બનાવ્યો અને તે નંદકગુરુના કહેવાથી તેમણે અલ્લ રાજાની સભામાં કહી સંભળાવ્યો. તેમજ વિશ્રાંતવિદ્યાધર નામના શબ્દશાસ્ત્ર પર અલ્પમતિ જનોને બોધ થવા માટે તેમણે સ્ફુટાર્થ ન્યાસ રચ્યો તથા શ્રીયક્ષમુનિએ અષ્ટાંગ નિમિત્તનો બોધ કરાવનાર સંહિતા