________________
કાલકાચાર્ય
૬ ચતુર્થી પર્યુષણા ૪૫૭ અને ૪૬૫ ની વચમાં.
૭ અવિનીત શિષ્યત્યાગ-૪૫૭ પછી અને ૪૬૫ની પહેલાં.
9
આટલું પ્રાસંગિક વિવેચન કરી હવે પ્રસ્તુત પ્રબન્ધ ઉપર આવીએ.
કાલકાચાર્ય ધારાવાસનગરના રાજા વીરસિંહના પુત્ર અને ભરૂચના રાજા બલમિત્ર ભાનુમિત્રના મામા હતા અને એમનાં સર્વ કામો ક્ષત્રિયોચિત હતાં; એ બધી વાતોનો વિચાર કરતાં એઓ જાતિના ક્ષત્રિય હશે એમાં કંઈ શંકા જેવું નથી.
કાલકે જૈન આચાર્ય ગુણાકરના ઉપદેશના પરિણામે કુમારાવસ્થામાં જ જૈન દીક્ષા ગ્રહણ કરી હતી, એટલું જ નહિ પણ એમની બહેન સરસ્વતીએ પણ તે જ માર્ગનું અનુસરણ કર્યું હતું કે જેના નિમિત્તે ગર્દભિલ્લોએદવાલી ઘટના બનવા પામી હતી.
પ્રસ્તુત પ્રબન્ધકારે કાલકની મદદે આવેલ ૯૬ શક રાજાઓને શાખિદેશથી આવ્યા બતાવ્યા છે, પણ ખરી રીતે તેઓ ઇરાનથી આવ્યા હતા. નિશીથચૂર્ણિમાં આ શકો ‘પારસકૂલ’ ના હતા એમ જણાવ્યું છે, જ્યારે પ્રાકૃત કાલકકથામાં તેઓ ‘શકકુલ’થી આવ્યાનો ઉલ્લેખ છે. ‘પારસકૂલ’ એનો અર્થ ફારસની ખાડી પાસેનો દેશ એવો જણાય છે, ત્યાંના શકો ઉપરથી તે શકકૂલ પણ કહેવાતો હોય; ‘શાખિદેશ' એ કંઈ દેશનું વાસ્તવિક નામ નથી, પણ પ્રાકૃત ‘સાહિ’ શબ્દનું સંસ્કૃત રૂપ છે અને ‘સાહિ’ એ રાજાવાચક ‘શાહ'નો અપભ્રંશ છે. આથી એ સિદ્ધ થાય છે કે જે ૯૬ મંડલિકો કાલકની પ્રેરણાથી હિન્દુસ્તાનમાં આવ્યા હતા, તે જાતિના ‘શક’ અને ‘શાહ’ ઉપાધિધારી ઇરાનના મંડલિકો હતા. તેઓએ પહેલવહેલી કાઠિયાવાડમાં પોતાની સત્તા જમાવી અને તે પછી ઉજ્જૈણી ઉપર જઈને ગર્દભિલ્લને પદભ્રષ્ટ કરી ત્યાંનો કબજો લીધો હતો.
પ્રસ્તુત પ્રબન્ધમાં તેમજ વ્યવહારચૂર્ણિ આદિમાં ઉજ્જેણીના સિંહાસન ઉપર ‘સાહિ’ને બેસાડવાનો લેખ છે; જ્યારે કથાવલીમાં ઉજ્જેણીના રાજ્યાસન ઉપર લાટના રાજા બલમિત્રને બેસાડ્યાનો ઉલ્લેખ કર્યો છે. આ બે પરસ્પર વિરુદ્ધ લેખોનો સમન્વય એ છે કે લડાઈ જીત્યા પછી તરત તે ઉજ્જૈણીની ગાદીએ શક જ બેઠો હતો, પણ તે ત્યાં બહુ ટક્યો લાગતો નથી. લગભગ ૪ વર્ષ રાજ્ય કર્યા પછી બલમિત્રભાનુમિત્રે તેમને ઉજ્જૈણીમાંથી કાઢીને પોતાનો કબજો કર્યો હતો, આ કારણથી કથાવલીનો લેખ પણ અપેક્ષાથી સાચો જ છે.
પ્રબન્ધકાર લખે છે કે કાલકાચાર્ય બલમિત્ર, ભાનુમિત્રના આગ્રહથી ભરૂચમાં વર્ષાચોમાસું રહ્યા, પણ પુરોહિતની ખટપટના પરિણામે તેમણે ચોમાસામાં જ વિહાર કરી પ્રતિષ્ઠાનમાં જઈને ચતુર્થીને દિવસે પર્યુષણા કરી હતી, પ્રબન્ધનો એ લેખ પણ વિચારણીય છે. કેમકે નિશીથચૂર્ણિમાં (ઉ. ૧૦, ગા. ૩૧૫૬, ભા. ૩. પૃ. ૧૩૧) સ્પષ્ટ લખેલું છે કે તેમણે ઉજ્જૈણીમાં ચોમાસું કર્યું હતું અને ત્યાંથી જ તેઓ પ્રતિષ્ઠાનપુર ગયા હતા. બલમિત્ર—ભાનુમિત્ર ભરૂચના રાજા તરીકે જ વિશેષ પ્રસિદ્ધ હતા, કેમકે ઉજ્જૈણીનો અધિકાર તેમણે પાછળથી મેળવ્યો હતો અને ત્યાં તેઓએ ૮ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. જ્યારે ભરૂચમાં તેમણે ૫૨ વર્ષ સુધી રાજ્યપદ ભોગવ્યું હતું. આથી તે પ્રાયઃ ઠેઠ સુધી ભરૂચના રાજા તરીકે જ પ્રસિદ્ધ રહ્યા લાગે છે, અને એ જ પ્રસિદ્ધિના પરિણામે પ્રબન્ધકારે કાલકને ભરૂચથી પ્રતિષ્ઠાનની તરફ વિહાર કરાવ્યો લાગે છે. વાસ્તવમાં કાલકે ભરૂચથી નહિ પણ ઉજ્જૈણીથી પ્રતિષ્ઠાન જઈને સાતવાહનના કહેવાથી ચતુર્થીના દિવસે પર્યુષણાપર્વનું આરાધન કર્યું હતું.