________________
શ્રી પ્રભાવક ચરિત્ર
કથાની પ્રશસ્તિમાં પોતાના પ્રગુરુ સૂરાચાર્યને ‘નિવૃત્તિકુલોભૂત” લખે છે. પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્ર પોતાના ગ્રંથોમાં પોતાના ગુરુ જિનદત્તસૂરિને ‘વિદ્યાધર કુલતિલક' લખે છે એટલું જ નહિ પણ વિક્રમ સંવત ૧૮૬૪માં શત્રુંજય ઉપર એક માસનું અનશન કરીને સ્વર્ગે જનાર “સંગમ' નામના સિદ્ધ મુનિને પ્રાચીન પુણ્ડરીકના લેખમાં 'વિદ્યાધર કુલનભરૂલ મૃગાંક' લખ્યા છે. | વિક્રમની અગ્યારમી સદીમાં શાંતિસૂરિ, બારમી સદીમાં અભયદેવસૂરિ અને તે પહેલાં પછીના બીજા અનેક ગ્રંથકારોએ પોતાના ગ્રંથોમાં ચંદ્રકુળના ઉલ્લેખો કર્યા છે.
ઉપરના ઉલ્લેખોનો વિચાર કરતાં જણાશે કે અગ્યારમા સૈકા સુધી તો નાગેન્દ્ર, નિવૃતિ, વિદ્યાધર અને ચન્દ્ર નામના કુલો જ પ્રસિદ્ધ હતાં તથા તે પછી ધીરેધીરે એ કુળો ગચ્છના નામથી પ્રસિદ્ધ થયાં હતાં, એ જ કારણ છે કે પ્રભાચંદ્રસૂરિ ઉક્ત નામના ગચ્છો પ્રસિદ્ધ થયાનું જણાવે છે.
પ્રબન્ધની સમાપ્તિમાં ગ્રન્થકાર પોતાને ચન્દ્રપ્રભસૂરિના પટ્ટધર તરીકે ઓળખાવે છે અને પોતે શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર છે એમ જણાવે છે. તે પછી ગ્રન્થના નામનો અને એના સંશોધક પ્રદ્યુમ્નસૂરિનો ઉલ્લેખ કરે છે અને એ જ હકીકત પ્રત્યેક પ્રબન્ધના અન્તમાં પણ જણાવી છે. માત્ર પ્રબન્ધનું નામ અને સંખ્યા બદલે છે; એ ઉપરાન્ત તેઓ પ્રત્યેક તો નહિ પણ એકાન્તરિત પ્રબન્ધોની સમાપ્તિ પછી આ ગ્રન્થમાં સંશોધક પ્રદ્યુમ્નસૂરિની સ્તુતિ કરે છે. આ પ્રબન્ધને અત્તે પણ પ્રદ્યુમ્નસૂરિની સ્તુતિ છે અને તેમાં અષ્ટાપદ, વિમલગિરિ, (શત્રુંજય) તારણ (તારંગા) અપાપા (પાવા) સ્તંભન (થાંભણાં) ઉજ્જયંત, (ગિરનાર) ચારૂરૂપ (ચારૂપ) અર્બદ (આબુ) આ આઠ તીર્થોની શ્લેષમાં ઉપમા આપીને તેમનું વર્ણન કર્યું છે. આ ઉપરથી તે સમયમાં પ્રસિદ્ધ તીર્થોનો ખ્યાલ આવે છે.
૨ શ્રી આર્યરક્ષિત
આર્યરક્ષિત માલવાન્તર્ગત દશપુર (મંદસોર)ના રાજા ઉદાયનના ગ્રાસ ભોગી પુરોહિત સોમદેવના પુત્ર હતા. એ ૨૨ વર્ષની વયમાં પાટલીપુત્ર (પટના)માં બ્રાહ્મણ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરીને ઘરે આવ્યા હતા. ' એમના આગમનથી આખું નગર ખુશી થયું પણ એમની માતા રુદ્રસોમા કે જે જૈનધર્મની ઉપાસિકા હતી એ બહુ ખુશી થઈ નહિ. આનું કારણ આર્યરક્ષિતે જાણ્યું અને તે બીજે જ દિવસે તોસલિપુત્ર નામના જૈન આચાર્ય પાસે જૈન પૂર્વશ્રુતનો અભ્યાસ કરવા ગયા, જૈન દીક્ષા સિવાય જૈન સુત્રનું અધ્યયન ન થઈ શકે એમ જાણી આર્યરક્ષિતે જૈન દીક્ષા ગ્રહણ કરી અને શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો, ગુરુ પાસે જેટલું શ્રુતજ્ઞાન હતું તે બધું ભણીને તે પછી તેઓ આગળ ભણવા સારુ વજસ્વામી પાસે ઉજ્જયની ગયા. ત્યાં પ્રથમ વજના વિદ્યાગુરુ ભદ્રગુપ્તસૂરિને ઉપાશ્રયે જઈને તેમને અનશનની આરાધના કરાવી અને તે પછી વજસ્વામી પાસે જઈને સાડાનવ પૂર્વનો અભ્યાસ કર્યો. તે દરમિયાન તેમનો છોટો ભાઈ ફલ્યુરક્ષિત પણ ત્યાં આવ્યો અને તેને પણ આર્યરક્ષિતે જૈન દીક્ષા આપીને પોતાની પાસે રાખ્યો એ પછી કાલાન્તરે તેઓ વજસ્વામીની આજ્ઞા લઈને દશપુર ગયા અને ત્યાં પોતાના માતા પિતા અને અન્ય કુટુંબીજનોને પણ જૈનધર્મમાં દીક્ષિત કર્યા.