________________
શ્રી આર્યરક્ષિતસૂરિ ચરિત્ર
એ પ્રમાણે આર્યરક્ષિતનું વચન સાંભળતાં તેમણે શ્રુતમાં ઉપયોગ મૂક્યો, તેથી જાણવામાં આવ્યું કે ‘એ ફરી આવતાં મને મળી શકશે નહિ, કારણકે મારું આયુષ્ય બહુ જ અલ્પ છે. એટલો અભ્યાસ કરવાની જ એની યોગ્યતા છે. તેથી દશમું પૂર્વ તો અવશ્ય મારી પાસે જ રહી જશે, એમ ધારીને તેમણે કહ્યું કે ‘હે વત્સ ! તું જા. તારું દુષ્કૃત મિથ્યા થાઓ. અત્યારે તારા જેવો ધીમાન્ બીજો કોઈ નથી. તેથી તને અભ્યાસ કરાવવાની અમારી ઇચ્છા થઈ, નહિ તો આટલી પ્રાપ્તિ કયાં થાય ? હવે માર્ગમાં તને કંઈ બાધા ન થાઓ,’ એમ સાંભળી ગુરુના ચરણે નમીને આર્યરક્ષિત પોતાની જન્મભૂમિ તરફ ચાલ્યા, અને શુદ્ધ સંયમયાત્રાપૂર્વક અખંડિત પ્રયાણો કરી વિચરતાં વિચરતાં તે પોતાના બંધુ સહિત પાટલીપુત્ર નગરે આવ્યા. ત્યાં સાડા નવ પૂર્વ ભણી આવેલા અને ગુણના નિધાન એવા તે પરમ હર્ષથી પોતાના ગુરુ તોસલિપુત્ર આચાર્યને મળ્યા. પછી તેમને આચાર્યપદે સ્થાપીને ગુરુ સ્વર્ગે ગયા.
97
–
ત્યાંથી આર્યરક્ષિત સૂરિ દશપુર નગરમાં ગયા. એટલે ફલ્ગુરક્ષિત મુનિ આગળથી પોતાના આવાસમાં આવીને કહેવા લાગ્યા કે —‘હે માતા ! હું તને વધાવું છું ! તમારો પુત્ર ગુરુ થઈને આવ્યો.' ત્યારે માતા કહેવા લાગી - ‘હે ભદ્ર ! હું તારા ઓવારણા લઉં અને આ શુભ સમાચાર માટે તારાં મોંઢામાં સાકર. કયાં છે તે મારો પુત્ર આર્યરક્ષિત ? આ સમયે હું એવી પુણ્યવતી છું કે તે પુત્રનું મુખ જોવા · પામીશ.’ એમ તે બોલતી હતી, તેવામાં આર્યરક્ષિત સૂરિ તેની આગળ આવીને ઉભા રહ્યા. એટલે મુનિવેશધારી તેમને આદ૨પૂર્વક જોઈને રૂદ્રસોમાનું શરીર હર્ષથી અત્યંત રોમાંચિત થઈ ગયું. એવામાં પુત્રના સ્નેહથી મોહિત થયેલ અને તેને મળવાને આતુર એવો સોમદેવ પુરોહિત પણ ત્યાં આવ્યો અને તેણે આર્યરક્ષિતને દૃઢ આલિંગન દઈને જણાવ્યું કે હે વત્સ ! પ્રવેશ મહોત્સવ વિના શીઘ્ર તું કેમ ચાલ્યો આવ્યો ? હું ઠીક જાણ્યું. વિરહાર્ત એવી પોતાની માતાને મળવાની તને ભારે ઉત્કંઠા થઈ હશે. હે પુત્ર ! હજી પણ તું બહારના ઉદ્યાનમાં જા, કે જેથી હું રાજાને નિવેદન કરીને નગરમાં ઉત્સાહ અને ઉત્સવપૂર્વક તારો પ્રવેશ કરાવું. પછી ઘરે આવતાં સાધુવેશને તજી અવ્યગ્ર બની ઘર માંડીને ગૃહસ્થાશ્રમનું સુખ ભોગવજે. એક યાજ્ઞિકના કુળમાં ઉત્પન્ન થયેલ રૂપયૌવન સંપન્ન અને તારામાં અનુરાગ ધરનારી એવી તને ઉચિત કન્યાની મેં અગાઉથી જ શોધ કરી રાખી છે. શાસ્ત્રીય વિધિ પ્રમાણે મહોત્સવપૂર્વક તું તેને પરણજે, કે જેથી તારી માતા સાંસારિક કૌતુકનો સ્વાદ ચાખે. વળી દ્રવ્યોપાર્જન કરવાની તો તારે કોઈ જાતની ચિંતા જ ન કરવી, કારણ કે સાત કુળ (પેઢી) ચાલે, તેટલું ધન મને રાજાએ આપેલ છે. તું ઘરનો કારભાર માથે લઈ લે, એટલે સંસારના સ્વરૂપને જાણનારા એવા અમે વાનપ્રસ્થ આશ્રમનો આશ્રય લઈએ.
-
એ પ્રમાણે સાંભળતાં આર્યરક્ષિત મુનિ બોલ્યા = ‘હે તાત ! તમને મોહનો વાત (વાયુ) ચડ્યો છે. શાસ્ત્રોના દુર્ધર ભારને તમે એક મજૂરની જેમ વહન કરો છો. પિતા, માતા, ભ્રાતા, ભગિની, સ્ત્રી અને પુત્ર પુત્રીઓ તો સંસારમાં ભવોભવ તિર્યંચોને પણ ઉત્પન્ન થાય છે, તો તેવા સ્વરૂપને જાણનાર પુરુષને તેમાં હર્ષ કેવો ? વળી રાજાના પ્રસાદથી પણ ગર્વ શો કરવાનો હતો ? કારણ કે તે તો નોકરી બજાવતાં વખતસર પ્રાપ્ત થાય છે, તેમજ બહુ ઉપદ્રવોથી ઓતપ્રોત એવા દ્રવ્યમાં પણ આસ્થા લાવવી શા કામની ? પરંતુ રત્નની જેમ આ મનુષ્યજન્મ જ દુર્લભ છે. તો વિનશ્વર અને અવકર–નિર્માલ્ય તુલ્ય એવા ગૃહસ્થાશ્રમના મોહમાં તેને કયો સુજ્ઞ નિષ્ફળ બનાવે ? એટલે તેની પરીક્ષા કરીને તેનો ત્યાગ કરતાં મેં આર્હતી દીક્ષા ધારણ કરી