________________
વચનામૃત પત્ર-૧ થી પ૦૦ કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પપરિચયી થવું, અલ્પઆવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે.
૧૦૩ હે જીવ, તું ભ્રમા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ.
સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ.
આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યો આવ્યો તો તું જીવન ત્યાગ કરતો રહીશ, મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. ભ્રમા મા, તને હિત કહું છું. આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાયે ન કર. આ તેનું છે એમ માની ન બેસ. આ માટે આમ કરવું છે એ ભવિષ્યનિર્ણય ન કરી રાખ. આ માટે આમ ન થયું હોત તો સુખ થાત એમ સ્મરણ ન કર. આટલું આ પ્રમાણે હોય તો સારું એમ આગ્રહ ન કરી રાખ. આણે મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભારતાં ન શીખ. આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ. આ મને અશુભ નિમિત્ત છે એવો વિકલ્પ ન કર. આ મને શુભ નિમિત્ત છે એવી દઢતા માની ન બેસ. આ ન હોત તો હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ. પૂર્વકર્મ બળવાન છે, માટે આ બધો પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. પુરુષાર્થનો જય ન થયો એવી નિરાશા સ્મરીશ નહીં. બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભુલાવ. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. એ બધામાં તારી લાગણી નથી, માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. તે મૂઢ, એમ ન કર