________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે; અનેકાંતદષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો.
આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
૮૦
તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો, ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે, તમે કોણ છો ? ક્યાંથી આવ્યા છો ? કેમ આવ્યા છો ? તમારી સમીપ આ સઘળું શું છે ? તમારી તમને પ્રતીતિ છે ? તમે વિનાશી, અવિનાશી વા કોઈ ત્રિરાશિ છો ? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે; અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે; ચદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે; એ જ વિચારોના વિવેકથી જે અવ્યાયબાધા સુખની ઇચ્છા છે, તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારોના મનનથી અનંત કાળનું મૂંઝન ટળવાનું છે; તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દષ્ટિથી જોતાં તેને છેવટ સુધી પામનારાં પાત્રોની ન્યૂનતા બહુ છે; કાળ ફરી ગયો છે; એ વસ્તુનો અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે; અને ભાગ્યહીન અપાત્ર બન્ને લોકથી ભ્રષ્ટ થાય છે; એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે; કદાપિ તે ગુફાદર્શનની તેની ઇચ્છા ન હોય તો પણ પોતાનાં આ ભવનાં સુખને અર્થે પણ જળ્યા તથા મૂઆની વચ્ચેનો ભાગ કોઈ રીતે ગાળવા માટે પણ એ અભ્યાસની ખચીત જરૂર છે. એ કથન અનુભવગમ્ય છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે. ઘણા આર્ય સમ્પરષો તે માટે વિચાર કરી ગયા છે; તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શોધી, તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે, અનેક ક્રમ બાંધ્યા છે, તે મહાત્મા જયવાન હો ! અને તેને ત્રિકાળ નમસ્કાર હો !
આપણે થોડીવાર તત્ત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી, આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ, તે સમયમાં જણાવી જવું યોગ્ય જ છે કે, પૂર્ણાહૂલાદકર જેને માન્યું છે, પરમ સુખકર, હિતકર, અને હૃદયમય જેને માનેલ છે, તેમ છે, અનુભવગમ્ય છે, તે તો તે જ ગુફાનો નિવાસ છે; અને નિરંતર તેની જ જિજ્ઞાસા છે.
તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે, અને એ જ સુખકર થયું છે. સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહોતી, તેમ જ કોઈ પણ રીતે ગમે તેવા ઔષધથી, સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે બીજા અનેક ઉપચારથી જે અંતરશાંતિ થવાની નહોતી તે થઈ છે. નિરંતરની ભવિષ્યકાળની ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતો એવો આ તમારો મિત્ર એને જ લઈને જીવે છે, નહીં તો જીવવાની ખચીત શંકા જ હતી; વિશેષ શું કહેવું ? આ ભ્રમણા નથી, વહેમ નથી, ખચીત સત્ય જ છે. એ ત્રિકાળમાં એક જ પરમપ્રિય અને જીવનવસ્તુની પ્રાપ્તિ, તેનું બીજારોપણ કેમ વા કેવા પ્રકારથી થયું એ વ્યાખ્યાનો પ્રસંગ અહીં નથી, પરંતુ ખચીત એ જ મને ત્રિકાળ સમ્મત હો ! એટલું જ કહેવાનો પ્રસંગ છે, કારણ લેખસમય બહુ ટૂંકો છે.