________________
દ્વાદશાનુપ્રેક્ષા
અનિત્યઅનુપ્રેક્ષા ચિંતવન
કરે છે. ઘોર ભયાનક રાન પર્વતમાં જાય છે. ધર્મરહિત દેશમાં જાય છે. જ્યાં પોતાની જાતિનું, કુળનું કે ઘરનું કોઈ દેખવામાં આવતું નથી, એવા સ્થાનમાં કેવંળ લક્ષ્મીના લોભથી ભ્રમણ કરતો કરતો મરણ પામી દુર્ગતિમાં જઈ પહોંચે છે. લોભી નહીં કરવાનું તથા નીચ ભીલને કરવા યોગ્ય કામ કરે છે. તો તું હવે જિવેંદ્રના ધર્મને પામીને સંતોષ ધારણ કર. પોતાના પુણ્યને અનુકૂલ ન્યાયમાર્ગને પ્રાપ્ત થઈ, ધનનો સંતોષી થઈ, તીવ્ર રાગ છોડી, ન્યાયના વિષયભોગોમાં અને દુઃખિત, બુભુક્ષિત, દીન અનાથના ઉપકાર નિમિત્તે દાન, સન્માનમાં લગાડ. એ લક્ષ્મીએ અનેકને ઠગીને દુર્ગતિમાં પહોંચાડ્યા છે. લક્ષ્મીનો સંગ કરી જગતના જીવ અચેત થઈ રહ્યા છે. એ પુણ્ય અસ્ત થયે અસ્ત થઈ જશે. લક્ષ્મીનો સંગ્રહ કરી મરી જવું એવું ફલ લક્ષ્મીનું નથી. એનાં ફલ કેવળ ઉપકાર કરવો, ધર્મનો માર્ગ ચલાવવો એ છે. એ પાપરૂપ લક્ષ્મીને ગ્રહણ નથી કરતાં તેને ધન્ય છે. ગ્રહણ કરીને મમતા છોડી ક્ષણ માત્રમાં ત્યાગી દીધી છે તેને ધન્ય છે. વિશેષ શું લખીએ ? તે ધન, યૌવન, જીવન, કુટુંબના સંગને પાણીનાં ટીપાં સમાન અનિત્ય જાણી, આત્મહિતરૂપ કાર્યમાં પ્રવર્તન કરો. સંસારના જેટલા જેટલા સંબંધ છે તેટલા તેટલા બધા વિનાશિક છે.
૨૪
એવી રીતે અનિત્ય વિચારણા વિચારો. પુત્ર, પૌત્રો, સ્ત્રી, કુટુંબાદિક કોઈ પરલોક સાથે ગયા નથી અને જશે નહીં. પોતાનાં ઉપાર્જન કરેલ પુણ્યપાપાદિક કર્મ સાથે આવશે. આ જાતિ કુળ રૂપાદિક તથા નગરાદિકનો સંબંધ દેહની સાથે જ વિનાશ થશે. તે અનિત્ય ચિંતવના ક્ષણ માત્ર પણ વિસ્મરણ ન થાય. જેથી પરથી મમત્વ છૂટી આત્મકાર્યમાં પ્રવૃત્તિ થાય એવી અનિત્ય ભાવનાનું વર્ણન કર્યું.
હવે અશરમ અનુપ્રેક્ષા ચિંતવીએ છીએ.
આ સંસારમાં કોઈ દેવ, દાનવ, ઇન્દ્ર, મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમરાજાની ફાંસી નથી પડી. મૃત્યુને વશ થતાં કોઈ આશરો નથી. આયુષ્ય પૂર્ણ થવાના કાળમાં ઇન્દ્રનું પતન ક્ષણ માત્રમાં થાય છે. જેના અસંખ્યાત દેવ આજ્ઞાકારી સેવક છે, જે હજારો રિદ્ધિવાળા છે, જેનો સ્વર્ગમાં અસંખ્યાત કાળથી નિવાસ છે, રોગ ક્ષુધા તૃષાદિક ઉપદ્રવ રહિત જેનું શરીર છે, અસંખ્યાત બળ પરાક્રમના જે ધારક છે, આવા ઇંદ્રનું પતન થઈ જાય ત્યાં પણ અન્ય કોઈ શરણ નથી. જેમ ઉજ્જડ વનમાં વાઘે ગ્રહણ કરેલ હરણના બચ્ચાની કોઈ રક્ષા કરવાને સમર્થ નથી, તેમ મૃત્યુથી પ્રાણીની રક્ષા કરવાને કોઈ સમર્થ નથી. આ સંસારમાં પૂર્વે અનંતાનંત પુરુષ પ્રલયને પ્રાપ્ત થયા છે. કોઈ શરણ છે ? કોઈ એવાં ઔષધ, મંત્ર, યંત્ર અથવા દેવદાનવાદિક નથી કે જે એક ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે. જો કોઈ દેવ, દેવી, વૈદ, મંત્ર, તંત્રાદિક એક મનુષ્યની મરણથી રક્ષા કરત, તો મનુષ્ય અક્ષય થઈ જાત. માટે મિથ્યા બુદ્ધિને છોડી અશરણ અનુપ્રેક્ષા ચિંતવો. મૂઢ લોક એવા વિચાર કરે છે કે મારા સગાના હિતનો ઇલાજ ન થયો, ઔષધ ન આપ્યું, દેવતાનું શરણ ન લીધું, ઉપાય કર્યા વિના મરી ગયો, એવો પોતાના સ્વજનનો શોક કરે છે. પણ પોતાનો શોચ નથી કરતો કે હું જમની દાઢની વચ્ચે બેઠો છું. જે કાળને કરોડો ઉપાયથી પણ ઇંદ્ર જેવા પણ ન રોકી શક્યા, તેને બાપડું માણસજાત તે શું રોકશે ? જેમ બીજાનું મરણ થતાં જોઈએ છીએ તેમ મારું પણ અવશ્ય થશે.