________________
૧૯૦
હાથનોંધ
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૩
રાગદ્વેષનો આત્યંતિક ક્ષય થઈ શકે છે.
જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે.
જ્ઞાન, જીવનો સ્વત્વભૂત ધર્મ છે.
જીવ, એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે.
સર્વ જીવ સુખને ઇચ્છે છે.
દુઃખ સર્વને અપ્રિય છે.
દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે.
વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. સભ્યશાન વિના વીતરાગ થઈ શકાય નહીં.
સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યક્ કહેવાય છે.
વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યાન કહીએ છીએ. સમ્યગ્ણાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે.
તે ત્રણેની એકતાથી મોક્ષ થાય.
જીવ સ્વાભાવિક છે. પરમાણુ સ્વાભાવિક છે. જીવ અનંત છે.
પરમાણુ અનંત છે.
જીવ અને પુદ્ગલનો સંયોગ અનાદિ છે.
જ્યાં સુધી જીવને પુદ્ગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. ભાવકર્મનો કર્તા જીવ છે.
ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે.
ભાવકર્મના હેતુથી જીવ પુદ્ગલ ગ્રહે છે.
તેથી તેજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરનો યોગ થાય છે.
ભાવકર્મથી વિમુખ થાય તે નિજભાવપરિણામી થાય. સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે. સમ્યગ્દર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થપ્રતીતિ થવી તે છે.
***