________________
૧૩૬
૨. પ્ર.
-
ગાંધીજીએ પૂછેલ પ્રશ્નોનાં ઉત્તર
(૧) ઈશ્વર શું છે ? (૨) તે જગતકર્તા છે એ ખરું છે ?
ઉ. - (૧) અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ, એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે; અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. જે સ્વરૂપ કર્મપ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્યસ્વરૂપ જાણી, જ્યારે આત્મા ભણી દૃષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે; અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતો નથી; જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે.
(૨) તે જગતકર્તા નથી, અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તો તે વાત પણ યોગ્ય લાગતી નથી, કેમ કે ઈશ્વરને જો ચેતનપણે માનીએ, તો તેથી પરમાણુ, આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે ? કેમ કે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જો ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનૈશ્વર્યવાન ઠરે છે, તેમ જ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ, તો પછી જડચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે; અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ યોગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિનાં ફળ આપનાર ગણીએ તો પણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર ‘ષટ્દર્શનસમુચ્ચય'માં સારાં પ્રમાણો આપ્યાં છે.
૩. પ્ર.- મોક્ષ શું છે ?
ઉ. - જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં, દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે.
મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય ?
૪.પ્ર.
ઉ. - એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે, તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે, અને તે દોડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે. તેમ જ અજ્ઞાનભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે ત્યારે, સહજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે, એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ જ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત્ મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે.
૫. પ્ર. – એમ વાંચવામાં આવ્યું કે માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથરો પણ થાય, ઝાડ પણ થાય, આ બરાબર છે ?