________________
૧૩૫
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
ગાંધીજીએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર '૧. પ્રશ્ન - (૧) આત્મા શું છે ? (૨) તે કંઈ કરે છે ? (૩) અને તેને કર્મ નડે છે કે નહીં ?
ઉ૦ (૧) જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપદાદિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એકસ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય, તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમ કે જડના હજારોગમે સંયોગો કરીએ તોપણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપદાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તો પણ તે તેવી જ જાતિના થાય, અર્થાતુ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા (ઘટપદાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી, ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. તેમ જ તેનો વિશેષ વિચાર કર્યો સહજ સ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખદુઃખાદિ ભોગવનાર, તેથી નિવનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળો છે; અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઈ પણ દોષ કે બાધ જણાતો નથી, પણ સત્યનો સ્વીકાર થયારૂપ ગુણ થાય છે.
(૨) શાનદશામાં, પોતાના સ્વરૂપના યથાર્થબોધથી ઉત્પન્ન થયેલી દિશામાં તે આત્મા નિજભાવનો એટલે જ્ઞાન, દર્શન (યથાસ્થિત નિર્ધાર) અને સહજસમાધિપરિણામનો કર્તા છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કર્તા છે, અને તે ભાવનાં ફળનો ભોક્તા થતાં પ્રસંગવશાત્ ઘટપટાદિ પદાર્થનો નિમિત્તપણે કર્તા છે, અર્થાત્ ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કર્તા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાનો કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જેને કર્મ કહે છે; વેદાંત ભ્રાંતિ કહે છે; તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટપટાદિનો તથા ક્રોધાદિનો કર્તા થઈ શકતો નથી, માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાનપરિણામનો જ કર્તા છે, એમ સ્પષ્ટ સમજાય છે.
(૩) અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હોઈ વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષપરિણામે પરિણમે છે; અર્થાત્ તે કર્મો આત્માને ભોગવવાં પડે છે. જેમાં અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણાએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યું જીવને મોક્ષદશા પ્રાપ્ત થાય છે. ૧. મહાત્મા ગાંધીજીએ ડરબન, આફ્રિકાથી પૂછેલ ૨૭ પ્રશ્નોના આ સંક્ષેપમાં ઉત્તર છે.