________________
વચનામૃત પત્ર-૫૦૧ થી ૬૦૦
વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય-ઉપશમ પ્રતિબોધતી જોવામાં આવે છે. જિનના આગમ પર દૃષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. ‘સિદ્ધાંતબોધ’ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે, તે કરતાં વિશેષપણે, વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યાં છે, કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે; અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જો જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમ કે આરંભ-પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે.
૧૨૦
૫૦૬
આ સંસારને વિષે કોઈ પ્રકાર રુચિયોગ્ય જણાતો નથી; પ્રત્યક્ષ રસરહિત એવું સ્વરૂપ દેખાય છે; તેને વિષે જરૂર સહિચારવાન જીવને અલ્પ પણ રુચિ થાય નહીં, એવો નિશ્ચય વર્તે છે. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી, માત્ર એમાં શુદ્ધ એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે તેથી મોટો ત્રાસ વર્તે છે, અને નિત્ય છૂટવાનો લક્ષ રહે છે; તથાપિ હજુ તો અંતરાય સંભવે છે, અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે; તેમ જ તેને અનુસરતા બીજા અનેક વિકલ્પથી ખારા લાગેલા આ સંસારને વિષે પરાણે સ્થિતિ છે.
૫૦૮
સિદ્ધ અને સંસારી જીવો એ સમસત્તાવાન સ્વરૂપે છે એ નિશ્ચય જ્ઞાનીપુરૂષોએ કર્યો છે તે યથાર્થ છે. તથાપિ ભેદ એટલો કે સિદ્ધને વિષે તે સત્તા પ્રગટપણે છે, સંસારી જીવને વિષે તે સત્તા સત્તાપણે છે. જેમ દીવાને વિષે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિષે અગ્નિ સત્તાપણે છે, તે પ્રકારે. દીવાને વિષે અને ચકમકને વિષે જે અગ્નિ તે અગ્નિપણે સમ છે, વ્યક્તિપણે (પ્રગટતા) અને શક્તિ (સત્તામાં) પણે ભેદ છે, પણ વસ્તુની જાતિપણે ભેદ નથી, તે પ્રકારે સિદ્ધના જીવને વિષે જે ચેતનસત્તા છે તે જ સૌ સંસારી જીવને વિષે છે. ભેદ માત્ર પ્રગટ અપ્રગટપણાનો છે. જેને તે ચેતનસત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ, પ્રગટસત્તા જેને વિષે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ, તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે; કેમકે તેથી આત્માને નિજસ્વરૂપનો વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. સિદ્ધસ્વરૂપ જેવું આત્મસ્વરૂપ છે એવું વિચારીને અને આ આત્માને વિષે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો અભાવ કરવા તે સિદ્ધસ્વરૂપનો વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે. એ પ્રકાર જાણી સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ બાધ જણાતો નથી.
૫૦૯
બંધવૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સતત અભ્યસ કર્ત્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય ? કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી; તો આ જીવે તે વૃત્તિઓનાં ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી, અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી, અર્થાત્ હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી; તેમ કડવાશ લાગતાં છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન, નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટપરિણામી જીવે વિચારવા યોગ્ય છે; વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી.
૫૧૦