________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
૯૩
આ દેહ ધારણ કરીને જોકે કોઈ મહાન શ્રીમંતપણું ભોગવ્યું નથી, શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી, પોતાનાં ગણાય છે એવાં કોઈ ધામ, આરામ સેવ્યાં નથી, અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, તથાપિ એ કોઈની આત્મભાવે અમને કંઈ ઇચ્છા ઉત્પન્ન થતી નથી, એ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ; અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ બન્ને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કોઈ પ્રકારનો લોકપરિચય રુચિકર થતો નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ-યોગમાં રહીએ છીએ. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી.
૩૨૯
દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે.
કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકલ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પેલું પ્રાયે (જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે) ખોટું છે, એમ જણાય
છે.
યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્તિ કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે.
અનેક વાર ગ્રંથ વંચાવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ધકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે.
પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું – થવું - તેને ‘દર્શનપરિષહ' કહ્યો છે. એ પરિષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે; પણ જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે.
330
ભ્રાંતિગતપણે, સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાત્મ્ય પણ તથારૂપપણે ભાયમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે.
૩૩૧
આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદપરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે, તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.
૩૩૨