________________
ર
વચનામૃત પત્ર-૧ થી પ૦૦ લૌકિક દષ્ટિએ તમે અને અમે પ્રવર્તીશું તો પછી અલૌકિકદષ્ટિએ કોણ પ્રવર્તશે? સમ્યફપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે.
સંસારસંબંધી તમને જે જે ચિંતા છે, તે ચિંતા પ્રાયે અમને જાણવામાં છે, અને તે વિષે અમુક અમુક વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ. તેમજ પરમાર્થચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ; બે પ્રકારનો વિકલ્પ હોવાથી તમને આકુળવ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી, અથવા અસંભવરૂપ લાગતું નથી. હવે એ બેય પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કંઈ મનને વિષે છે તે લખવાનું પ્રયત્ન કર્યું છે.
પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બન્ને સરખું છે, કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યક છે. જે લાગ્યું તે જણાવ્યું છે.
અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.
વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રૂચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે.
માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી.
“દુઃખસુખરૂપ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.”
(શ્રી વાસુપૂજ્ય-સ્તવન, આનંદઘનજી)
આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક્રદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.
ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઇચ્છતું નથી. તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે.
અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ.
જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત સમાધિ જ છે.