________________
૭૦
અમૃતવેલની સઝાય અનુમોદના કર. ગૃહસ્થજીવન હોવા છતાં, સાંસારિક જીવનની અનેક જવાબદારીઓ હોવા છતાં પણ પરમાત્માના ધર્મની જે શ્રાવક-શ્રાવિકા આરાધના કરે છે તે શ્રાવક-શ્રાવિકાનો શ્રેષ્ઠ ગુણ છે. તે ગુણોની હે જીવ! તું અનુમોદના કર.
તથા શ્રાવક-શ્રાવિકાનું જીવન ધર્મમય હોવાથી સદાચારથી ભરેલું હોય છે. નિત્ય જિનેશ્વર પરમાત્માનું દર્શન, વિંદન, પૂજન કરે. નવકારશી જેવું નિત્ય પચ્ચકખાણ કરે, રાત્રિભોજનનો ત્યાગ કરે, અભક્ષ્ય અનંતકાયનું ભોજન તો ક્યારેય હોય જ નહીં. વિનય, વિવેક, બોલવાની સભ્યતાવાળી વાણી આવા પ્રકારના નાના મોટા અનેક ગુણો આ શ્રાવકશ્રાવિકાના જીવનમાં પણ હોય છે. તે સર્વે ગુણોની હે જીવ! તું અનુમોદના કર.
તથા ચોથા ગુણસ્થાનકે વર્તતા સમ્યગ્દષ્ટિ જે દેવો છે, તેઓના સમ્યકત્વગુણની હે જીવ! તું અનુમોદના કર. જે સમ્યકત્વગુણના પ્રતાપે દેવો શાસનની સેવા કરે છે. પરમાત્માની પાંચે કલ્યાણકોની ઉજવણી કરે છે. મેરુ પર્વત ઉપર પરમાત્માને લઈ જઈને સ્નાત્ર મહોત્સવ કરવા રૂપે ભક્તિ કરે છે. નંદીશ્વરાદિ દ્વીપમાં તથા કુંડલ-રૂચકદ્વીપમાં ભક્તિ મહોત્સવ ઉજવે છે. પરમાત્માને તથા અન્ય મહાત્માઓને ઉપસર્ગ પરિષદ આવે ત્યારે તેઓની સુરક્ષા તથા સેવાભક્તિ