________________
૬૩
અમૃતવેલની સઝાય વ્યવસાયથી સર્વથા પર હોય છે. કરૂણા-કઠોરતા આદિ ભાવોથી રહિત હોય છે. આવા પ્રકારની સિદ્ધ ભગવંતોની શુદ્ધ-બુદ્ધ નિરંજન નિરાકાર એવી નિર્મળ સિદ્ધતા ગુણની હે જીવ ! તું અનુમોદના કર. તારા આત્માને સિદ્ધ બુદ્ધ બનાવવા માટે તેઓની સિદ્ધતા આદર્શરૂપે તારું કલ્યાણ કરનારી છે. આવી નિર્મળ દશાની તું વારંવાર અનુમોદના કર.
(૪૦) પંચ પરમેષ્ઠીમાં ત્રીજા પદે બીરાજમાન આચાર્ય મહારાજશ્રીના આચારગુણની તું ભૂરિ ભૂરિ અનુમોદના કર. પાંચ મહાવ્રત પાળે અને પળાવે તે આચાર્ય, જૈન સમાજના અગ્રેસર ગુરુભગવંત, સર્વને પરમાત્માનો માર્ગ સમજાવનારા, ગામાનુગામ વિહાર કરનારા, સાધુસંતોને સ્વાધ્યાય કરાવનારા, ગચ્છના ભારને વહન કરનારા, આત્મતત્ત્વની સાધના કરતા અને કરાવતા એવા આચાર્ય મહારાજશ્રી ત્રીજા પદે બીરાજે છે. તેઓના ગુણોની હે જીવ! તું ઘણી ઘણી અનુમોદના કર.
અરિહંત પરમાત્મા ધર્મતીર્થને સ્થાપનારા છે. તેઓ સર્વ કર્મ ખપાવીને મોક્ષે જાય. ત્યારબાદ તેઓની ગેરહાજરીમાં તેઓશ્રીએ સ્થાપના કરેલા એવા ધર્મતીર્થને ચલાવનારા આ આચાર્ય ભગવંત હોય છે. તેઓ પોતે પણ ભગવાનના શાસનને વફાદાર રહીને પ્રવૃત્તિ કરનારા હોય છે. આવા આચાર્ય ભગવંતના ગુણોની વારંવાર તું અનુમોદના કર. ૧૭.