________________
અમૃતવેલની સજ્ઝાય
૯
(૮) ક્રોધનો અનુબંધ ન રાખવો - ક્રોધ એ ભયંકર મારકતત્ત્વ છે, વિષતુલ્ય છે. બલ્કે વિષથી પણ અધિક છે. વિષ એકવાર મૃત્યુ કરાવે છે, ક્રોધ ઘણા ભવો મૃત્યુ કરાવે છે. તેથી ક્રોધ ન કરવો, પણ “ઉપશમભાવમાં” રહેવું, છતાં પણ કદાચ ક્રોધ આવી જાય, થઈ જાય, તો પણ તેની માત્રા તીવ્ર ન રાખવી, ભવોભવમાં તેના સંસ્કાર ચાલુ રહે તેવો અનુબંધ ન રાખવો; ચંડકૌશિક થનારા જીવે મુનિપણામાં એવો ગાઢ ગુસ્સો કર્યો કે મુનિપણામાં, ત્યારબાદ તાપસપણામાં અને ત્યારબાદ ચંડકૌશિકના ભવમાં ક્રોધમય જીવન પામ્યો, પ્રભુ મહાવીરસ્વામી મળ્યા તો ઘણા ભવોમાં રખડવાનું અટકી ગયું, નહીં તો આ સંસ્કાર ક્યાંય ને ક્યાંય રખડાવત. ક્રોધ પરસ્પર વૈમનસ્ય વધારે છે, લોહી ઉકાળે છે, શરીરને બાળે છે, વેરઝેરની પરંપરા ચલાવે છે. સામેના જીવના નાના દોષો મોટા દેખાડે છે. મોટા ગુણો નાના દેખાડે છે. પરસ્પર અપ્રીતિ ઉત્પન્ન કરાવે છે. આત્માના સ્વભાવને નિન્દાત્મક બનાવે છે. માટે હે જીવ ! ક્રોધ ન કર, કદાચ થઈ જાય તો તેનો ઉંડો અનુબંધ ન રાખ. આવો હિતોપદેશ ગુરુજી આપે છે.
(૯) વચન સાચાં બોલવાં - મૃષા બોલવું એ પોતાના જીવનને કલંકિત કરવા બરાબર છે. એકવાર પણ બોલાયેલું જુઠ આ મરણાંત આ જીવને ચિંતાતુર બનાવે છે. મારું