________________
(૧) પૃથ્વીકાયઃ ખાણની માટી, ખડી, અબરખ, તેજંતુરી, કાચું મીઠું, વગેરેનું પ્રમાણ સંખ્યા અને વજનથી નક્કી કરીને બાકીનાનો ત્યાગ કરવો. બને તો કાચું મીઠું વાપરવું જ નહિ. બળવણનો ઉપયોગ કરવો.
(૨) અકાયઃ અમુક પ્રમાણથી વધારે પાણી પીવું નહિ. સ્નાન કરવામાં અમુક પ્રમાણથી વધારે પાણી ન વાપરવું. તે જ રીતે કપડાં ધોવા, હાથ - પગ ધોવા વગેરે કારણે પણ અમુક પ્રમાણથી વધારે પાણી ન વાપરવાનો નિયમ કરવામાં આવે છે.
સ્નાન કરતી વખતે સીધું ફુવારા નીચે ન બેસવું કે નળની નીચે પણ ન બેસવું. નહિ તો તેની સાથે જોડાયેલી આખી ટાંકી ગણત્રીમાં લેવી પડે. જરૂર પ્રમાણેનું પાણી ડોલમાં લઈને પછી તેનો ઉપયોગ કરવો. તેથી ગણત્રીમાં તેટલું જ લઈ શકાય.
તે જ રીતે હાથ ધોતી વખતે વોશબેસીનનો નળ ખોલીને હાથ ન ધોવો, પણ સૌ પ્રથમ ગ્લાસ વગેરેમાં જરૂર જેટલું પાણી લઈને પછી તેનો ઉપયોગ કરવો.
પાણીના એક ટીપામાં અસંખ્યાતા (અબજો કરતાં ય વધારે) જીવો છે. તેમનો કચ્ચરઘાણ શી રીતે બોલાવાય? તેથી પાણીના વપરાશનું પ્રમાણ શક્યતઃ ઘટાડીને, જરૂર જેટલું પ્રમાણ ધારવું.
તેઉકાયઃ ચૂલા, ગેશ, પ્રાયમસ વગેરેની સંખ્યા નક્કી કરવાની છે. ક્યારેક એક ઘરમાં રહેલા તમામ ચૂલાદિને એક ગણીને ઘરની સંખ્યા પણ નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ઈલેક્ટ્રીસીટીની જે સ્વીચો ઓન - ઑફ કરવામાં આવે તેની સંખ્યા પણ નક્કી કરવામાં આવે છે.
ઘરની બીજી વ્યક્તિઓના કહેવાથી કરવી પડે તેની જયણા રાખી શકાય; પણ પોતાના ઉપયોગમાં લેવાતી તમામ લાઈટો વગેરેની સંખ્યાને ગણત્રીમાં લેવી જોઈએ. સ્ટેશન વગેરે જાહેર સ્થળોની લાઈટોની જયણા રાખી શકાય. નક્કી કરેલ પ્રમાણથી વધારે ઉપયોગ નહિ કરવાનું નક્કી કરવાનું છે.
વાયુકાયઃ પંખા, હિંચકા, ફ્રીઝ વગેરે જેમાં વાયુકાયની વિરાધના થતી હોય તે બધાની સંખ્યાનું નિયમન કરવાનું છે. પોતાની અનુમોદના જેમાં હોય, પોતાને જેની અપેક્ષા હોય તે બધાને ગણત્રીમાં લેવા. પણ ઔચિત્યથી બીજાને માટે કરવા પડે તેની જયણા રાખી શકાય.
વનસ્પતિકાયઃ જે જે શાકભાજી, ફળ વગેરે વનસ્પતિઓનો ઉપયોગ કરવો પડે તે બધાનો - નામ, માપ અને સંખ્યાના વિભાગ પૂર્વક - નિયમ કરીને બાકીનાનો ત્યાગ કરવાનો છે.
૬૭ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨