________________
ઘટના બની. વિદ્યાપતિની વાત સાંભળતા મંત્રીઓ આશ્ચર્યથી એકબીજાના મોઢા જોવા લાગ્યા.
ત્યાં તો આકાશવાણી થઈ. “હે વિદ્યાપતિ ! તારે તો હજુ પુષ્કળ ભોગસુખો ભોગવવાના છે, તેથી આ રાજયલક્ષ્મીનો સ્વીકાર કરીને તેને તું આનંદપૂર્વક લાંબા સમય સુધી ભોગવ !”
આવી આકાશવાણી સાંભળીને વિદ્યાપતિ ફરી વિચારમાં પડી ગયો. નક્કી આ વાણી મારા ભાગ્યદેવતાની જણાય છે. મારાથી તેનો અનાદર તો થઈ શકે નહિ. જો રાજય સ્વીકારું તો મારા પરિગ્રહ પરિમાણ વ્રતનું શું? ના... વ્રતનું પાલન કરવા માટે હું તો રાજા ન જ બની શકું. પણ એક ઉપાય છે. આ રાજ્યસિંહાસન ઉપર જિનેશ્વર પરમાત્માની પ્રતિમાને સ્થાપન કરીને ભગવાનને આ નગરનો રાજા બનાવું. હું તેમનો સેવક બનીને મારી જીંદગી વિતાવું.”
આમ વિચારીને રાજાએ તરત જ પરમાત્માની પ્રતિમાને રાજસિંહાસન પર સ્થાપિત કરી દીધી. મંત્રીઓને કહ્યું, “પરમાત્મા ઉપર રાજ્યાભિષેક કરો અને મારી ઉપર પરમાત્માના દાસ તરીકેનો અભિષેક કરો.” : બુદ્ધિપૂર્વકનો આવો વ્યવહારુ ઉકેલ જાણીને મંત્રીઓ પણ ખુશ થઈ ગયા. તે રીતે અભિષેકવિધિ થઈ. વિદ્યાપતિએ પરમાત્માના સેવક તરીકે વહીવટ આદર્યો. સમગ્ર રાજ્યમાં પરમાત્માની આજ્ઞા પ્રવર્તાવી. ઉદારતાથી ધનવ્યય કરીને જિનભક્તિના વિવિધ મહોત્સવો કરાવ્યા. ભાગ્યદેવતા પણ તેની ઉપર ખુશ હતા. તેઓ રોજ રોજ વિદ્યાપતિના ભવનમાં રત્નો અને સોનૈયાનો વરસાદ વરસાવતા હતા. વિદ્યાપતિએ બધાના કર માફ કરી દીધા. ચારે બાજૂ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા લાગ્યા. લોકો પણ ધર્મી બન્યા. પાપો કરવાનું જાણે કે ભૂલી ગયા. કોઈ ચોરી નહોતી થતી કે કોઈ લૂંટફાટ નહોતી થતી. સૌ ધર્મારાધનામાં લીન હતા. યુદ્ધનું તો નામોનિશાન નહોતું. ચારે બાજુ વિદ્યાપતિની કીર્તિ ફેલાઈ રહી હતી.
આસપાસના રાજયોમાં પણ સમાચાર પહોંચવા લાગ્યા કે પોતનપુરનગરના રાજા તો જિનેશ્વર ભગવાન છે. તેમની પ્રતિમા રાજયસિંહાસન પર સ્થાપન કરાઈ છે. તેમના સેવક તરીકે વિદ્યાપતિ રાજકારભાર ચલાવે છે, તે ધાર્મિકવૃત્તિનો છે. પાપ કરવામાં કાયર છે. વગેરે...”
આ બધી વાતો સાંભળીને તેમને થયું કે, “જો વિદ્યાપતિ પાપ કરવામાં કાયર હોય તો તે યુદ્ધ તો કરી શકશે જ નહિ. આપણે તેનું રાજય આસાનીથી મેળવી લઈશું.” આ પ્રમાણે વિચારીને મોટા સૈન્ય સાથે તેઓ યુદ્ધ લઈ આવ્યા.
૧૪ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨