________________
નિકોલસ નિકલ્ટી
અંદરથી તે ભલા માણસનો અવાજ આવ્યો, “શી બાબત છે,' ભાઈ? આખું ગામ સળગી ઊઠયું છે કે શું? પણ તેમાં મારા ઘરનું બારણું શાને તોડી નાખે છે?”
આટલું બોલતાં બોલતાં જોન બ્રાઉડીએ પોતે જ બારણું ઉઘાડ્યું, અને ત્યાં નિકોલસને જોતાં તે એટલો તો આનંદમાં આવી ગયો કે, પોતાના વિશાળ પંજાઓથી નિકોલસનો બરડો જોરથી થપથપાવવા લાગ્યો. નિકોલસ જેવો નક્કર જુવાનિયો જ તેના પંજાની એ થાપટો હસતો હસતો સ્વીકારી શકે.
પછી તો બંને હાથે નિકોલસને તેણે ઊંચકી જ લીધો અને પોતાની પત્નીને બૂમ મારી, “એય દિલ્હી, આ તારા છોકરાનો દેવ-બાપો આવ્યો! એય, સાંભળ્યું કે? તારા છોકરાનો–” એમ કહીને, નિકોલસે તેના છોકરાના દેવબાપ (ગૉડફાધર) થવા કરેલી માગણી યાદ કરીને બ્રાઉડી ખડખડાટ હસવા માંડ્યો. પછી તો રસોડાના ટેબલ ઉપર તેને બેસાડી, પહેલું જ કામ તેણે આગને સંકોરી ભડભડાટ સળગાવવાનું કર્યું, અને પછી નિકોલસને બે દહાડા ચાલે એટલું નાસ્તાનું ભોજન કાઢીને પીરસી દીધું.
પછી હસતાં હસતાં તેણે કહ્યું, “લાકડીથી બારણું ઠોકર્યું એટલા ઉપરથી જ મને કલ્પના તો ગઈ હતી કે, ભાઈલો નિકોલસ જ જ આમ તો ઠોકે! પેલા શાળામાસ્તરનો બરડો ઠોકેલો એ તારી ટેવ હું જાણું ને, ભાઈ?” એટલું બોલી પાછો, વિયર્સવાળી વાત યાદ કરીને, જૉન બ્રાઉડી પેટ દબાવી હસવા ઉપર ચડ્યો.
પણ પછી એ માસ્તરનું શું થયું, ભાઈલા? ગઈ કાલે રાતે શહેરમાં કંઈક વાત ચાલતી હતી; પણ બધી ગોળ ગોળ !”
ઘણી ઘણી મુદતો પછી તેને સાત વર્ષ દેશનિકાલની સજા થઈ છે, – ચોરાયેલું વિલ તેના કબજામાંથી નીકળ્યું એ કારણે; પરંતુ, પછી, કહે છે કે, બીજા કાવતરામાં ભાગ લેવા બદલ બીજી પણ સજા ભોગવવાની થશે.”