________________
૩૪૮
નિકોલસ નિકબી મારા એ ગુનાનું કશું પ્રાયશ્ચિત્ત નથી, એ હું જાણું છું. હું હવે ઘરડો થયો છું, અને દુઃખ અને શોકની રીતે તો વધારે પડતાં ઘરડો થઈ ગયો છું. આ કબૂલાતથી પણ હવે તો મને નવી સજા અને નવાં દુ:ખ જ સહન કરવાનાં મળશે, એ હું જાણું છું; છતાં મેં એ કબૂલાત કરી છે. પરમાત્મા મને માફ કરે!”
પેલો માણસ આ છેલ્લું વાક્ય બોલી રહ્યો, તેટલામાં તો એ ઓરડામાં મૂકેલું ફાનસ અચાનક ગબડી પડીને ઓલવાઈ ગયું. જ્યારે બીજું ફાનસ લાવવામાં આવ્યું, ત્યારે ખબર પડી કે, રાલ્ફ ત્યાંથી ગુપચુપ ચાલ્યો ગયો હતો.
ભાઈ તેવી બહેન
સ્માઈકના મૃત્યુની ખબર નિકોલસે પત્ર લખીને બધાંને આપી હતી. છતાં તે પોતે જ્યારે પાછો ઘેર આવ્યો, ત્યારે સૌ સ્માઈકને યાદ કરી કરીને ભારે શોક કરવા લાગ્યાં. ભલી મિસ લા કીવી પણ નિકોલસને આવ્યો જાણી મળવા આવી પહોંચી, અને સ્માઈકને યાદ કરી કરીને રડવા લાગી. પોતાનાં આંસુ છુપાવવા વચ્ચે વચ્ચે તે હસવાનો પ્રયત્ન કરવા લાગી અને પછી તો એકીસાથે હસવાની અને રડવાની મથામણમાં તેને હિસ્ટીરિયા જ ચડી આવ્યો. | નિકોલસને છેવટના કેટલાય દિવસોથી ભેગા થયેલા થાક અને મુસાફરીની અથડામણને કારણે આરામની જરૂર હોવાથી, તે ઉપર પોતાની ઓરડીમાં ચાલ્યો ગયો, અને તરત ઘસઘસાટ ઊંઘમાં પડ્યો.
જ્યારે તે જાગ્યો ત્યારે કેટ તેની પથારી ઉપર બાજુએ બેઠી હતી. નિકોલસની આંખ ઊઘડેલી જોઈ, તરત તેણે નીચે વળી ભાઈને ભાવભર્યું ચુંબન કર્યું.