________________
નિકોલસ નિકલ્પી
“એનો બાપ મરી ગયો હોત, તો તો તેને અમારી પુત્રી
તરીકે જ ઘરમાં લાવવામાં અને તેને બધી રીતે સુખી કરવામાં અમને વાર જ ન લાગત. પણ એનો બાપ હજુ જીવે છે, અને તેનો ત્યાગ કરવાનું એને સમજાવવું અશકય છે. તેની માને એ બદમાશે ગમે તેટલી દુ:ખી કરી હતી, પણ તેય એના બાપ ઉપર મરતા સુધી પ્રેમ કર્યા કરતી હતી; અને તે માએ જ મરતી વખતે એ બદમાશ બાપને સાચવવાની આ બાળક છોકરીને ભલામણ કરી હતી! એ છોકરી પોતાની માની મરતી વખતની ભલામણ જરા પણ ભૂલી નથી, અને ભૂલશે પણ નહિ.
૨૬૬
“હવે, તેનો બાપ જો જાણે કે, તે છોકરી અમારી પાસે મદદ માટે આવી છે, અને અમારી પાસેથી મદદ મેળવે છે, તો તો તેની માને જેમ તે વીંધ્યા કરતો હતો તેમ આ છોકરીને પણ ખૂબ વીંધ્યા જ કરે; અને ઉપરાંતમાં પોતાનો સ્વચ્છંદ અને પોતાનાં વ્યસનો પાછળનું ઉડાઉપણું સાથોસાથ એટલું વધારી મૂકે કે, એની માગણીઓનો પાર ન રહે. એટલે આ છોકરીને મદદ કરવામાં પણ વિચાર કરવો પડે છે. મારી પાસેથી કશી મોટી રકમની મદદ સ્વીકારવાનો ઇનકાર એ છોકરીએ જ કર્યો છે. તે નાની નાની રકમો અવારનવાર રાતને વખતે આવીને ગુપ્ત રીતે લઈ જાય છે. જોકે, એ રીતે લાંબો વખત બધું ચાલુ રાખવું સહીસલામત નથી; જ્યારે ત્યારે પેલો બાપ એ વાત જાણી જ જાય. એટલે અમે બંને ભાઈઓએ મળીને એવું નક્કી કર્યું છે કે, એનો બાપ ઓળખી ન શકે તેવા કોઈ ત્રાહિત માણસને એ છોકરીને ઘેર જ મોકલવો અને ત્યાંથી તેનાં ચિત્રો તથા ભરત-ગૂંથણ વગેરે, ચાલુ બજારભાવે ખરીદી લેવાં. આમ કરવામાં એ છોકરીને આટલે દૂર આવવાનું જોખમ ખેડવું ન પડે, તથા તેના બાપને કશો વહેમ ન જાય.”
“ પણ એ યુવતીને આ ગોઠવણની ખબર છે?” નિકોલસે પૂછયું.