________________
નિકોલસનું નવું કામ
૨૬૫ તે વખતે તેની આ છોકરી નાનું સરખું બાળક હતી. અને તેને તો મેં ત્યાર પછી પહેલી જ વાર, તમે મારી ઑફિસમાં જોઈ ત્યારે જ, જોઈ હતી. તે છોકરીનો બાપ પોતાના લેણદારોથી બચવા છુપાઈને કયાંક રહેતો હતો, અને આ છોકરી સુખી અવસ્થામાં પોતે મેળવેલી તાલીમ અને કેળવણીનો ઉપયોગ કરી, બાપનું પોષણ કરતી હતી. તેની સાથે તેની એક જૂની વફાદાર નોકરડી જ બાકી રહી હતી.”
ભાઈ ચાર્લ્સ આમ તેમ આંટા મારતા મારતા જ આ બધું બોલ્યા હતા. હવે તે એક ખુરશી ઉપર બેસી ગયા, અને પછી તેમણે વાત આગળ ચલાવી:
એ છોકરીની માનાં બધાં જનાં મિત્રોએ એ છોકરી જો તેના બદમાશ બાપની ઓથમાંથી નીકળી આવે, તો તેને બધી રીતની કાયમી મદદ કરવાની તૈયારી બતાવી હતી. પણ એ બહાદુર અને પ્રેમાળ છોકરીએ એ શરતે કશી મદદ લેવા ના પાડી. અને તેનો બાપ જે લોકોને તેની માના પહેલાંના સંબંધને કારણે ધિક્કારતો હતો અને ગાળો ભાંડતો હતો, તેમની પાસેથી મદદ માગવા જવું ઠીક નહીં, એમ માની, એ છોકરી અમારી પાસે પણ કશું માગવા આવી નહિ. બે વર્ષ સુધી તેણે પેન્સિલ, કલમ, સોય, અને પીંછીથી અથક મહેનત કરી. વચ્ચે વચ્ચે કોઈ કુટુંબમાં ગવર્નેસ તરીકે છોકરાં સાચવવા પણ તે રહી આવી. પરંતુ સ્ત્રી જાત જેવો સ્ત્રી જાતનો બીજો મોટો દુશ્મન નથી. એટલે આ છોકરીની સુંદરતા, સુશીલતા, અને લાયકાતોથી જ ઈષ્યએ બળીને એ કુટુંબોની ગૃહિણીઓએ તેને અપમાનિત તથા લાંછિત કરીને કાઢી મૂકી. આમ બે વર્ષ સુધી તે એકલે હાથે ઝૂઝી. પરંતુ પછી બધી જાતની મુશ્કેલીઓ એવી વધી ગઈ કે, તેને પોતાની માના જૂના મિત્રોની મદદ લેવા આવવું પડ્યું, અને પોતાનું બધું દુ:ખ અમારી આગળ રડવું પડ્યું.