________________
“ચિયરીબલ બ્રધર્સ”
૨૦૭
“હા સાહેબ,” પેલા જાડા મુનીમે પોતાનાં ચશમાંના કાચ પોતાના શેઠ તરફ તથા આંખો નિકોલસ તરફ ફેરવીને જવાબ આપ્યો; “પણ મિ૦ ટ્રિમર્સ તેમની સાથે છે.”
“એમ? શા કામે આવ્યા છે, વાર?”
“આજે સવારે ઈસ્ટ ઇન્ડિયા ડૉક ઉપર એક મજૂર ખાંડનું પીપ પડવાથી છુંદાઈ ગયો, તેની વિધવા અને કુટુંબ માટે ભરણાંની યાદી લઈને આવ્યા છે.”
અહા, કેવા દયાળુ જીવ છે? ટ્રિમર્સ બહુ ભલા માણસ છે; અમારા સૌથી સારા મિત્રોમાંના જ એક છે, વળી. અમને કદી ખબર ન પડે એવા હજાર હજાર કિસ્સાઓ તે અમારી જાણ ઉપર લાવે છે. હું ટ્રિમર્સનો બહુ જ આભારી છું,” આમ કહી, ડોસા આનંદથી પોતાના હાથ ઘસવા માંડ્યા, જાણે હમણાં જ લાખ રૂપિયાનો સોદો પાર પડ્યાના સમાચાર તાજા મળ્યા હોય !
પણ એટલામાં તો મિત્ર ટ્રિમર્સને પોતાને જ બહાર આવતા જોઈ, એ ભલા ડોસા તરત તેમની તરફ ધસી ગયા અને તેમનો હાથ પકડી, “આભાર, આભાર, હજાર હજાર આભાર, મિ૦ ટ્રિમર્સ,” કહેતા કહેતા તેમને એક બાજુ દોરી ગયા, અને પછી કાનમાં માં ઘાલી પૂછવા લાગ્યા, “હું? પાછળ કેટલાં બાળકો છે? અને મારા ભાઈ નેડે શું લખાવ્યું? હે?”
પાછળ છ બાળકો મૂક્યાં છે, અને તમારા ભાઈએ મહેરબાની કરી વીસ પાઉડ અમને આપ્યા છે.”
“મારા ભાઈ નેડ બહુ ભલા માણસ છે, અને તમે પણ બહુ ભલા માણસ છો, ટ્રિમર્સ. મારાય વીસ પાઉન્ડ લખો ને! પણ, થોભો થોભો – આપણે નાહક દેખાડ થાય તેવું કરવાની શી જરૂર! મારા નામે દસ જ પાઉંડ લખો અને ટિમ લિંકિનવૉટર- અમારા આ મુનીમ, તેમને નામે દસ પાઉંડ લખો. અરે, ટિમ, મિ૦ ટ્રિમર્સને વીસ પાઉંડનો ચેક આપી દો. ભગવાન તમારું ભલું કરે, ટ્રિમર્સ,