________________
અકસ્માત
૧૯૧
પછી તો પ્યાલીઓ જેમ જેમ વધુ ખાલી થતી ગઈ, તેમ તેમ પેલાઓની વાતો વધુ મોટેથી તથા વધુ ખુલ્લા શબ્દોમાં ચાલવા લાગી; અને નિકોલસ પોતાનું ખાવાનું પતાવી રહ્યો તે પહેલાં તેને સમજાઈ ગયું કે, તેના બદમાશ કાકાએ કેટનો ઉપયોગ આ તવંગર હરામજાદાઓને લોભાવવામાં કરવા ધાર્યો લાગે છે. પોતાને યૉર્કશાયર જેવી દૂરની જગાએ મોકલવામાં પણ, કાકાની દાનત કેટનો આવો દુરુપયોગ કરવાની સગવડ મેળવવાની જ હોવી જોઈએ, એની તેને ખાતરી થઈ ગઈ. તે ગુસ્સાથી સમસમી ઊઠયો.
આ ચારની ટોળીમાંથી, પોતાની બહેનનો ઉલ્લેખ વધુ અપમાનકારક રીતે કરનાર માણસ સર મલબેરી હૉક હતો. તેની પાસે અચાનક જઈ પહોંચી નિકોલસે કહ્યું – “સાહેબ, એક બાજુએ આવશો? મારે તમારી સાથે જરા વાત કરવી છે.”
મારી સાથે?” સર મલબેરી નવાઈભર્યા તુચ્છકારથી વદ્યા. “મેં કહ્યું ને કે, તમારી સાથે,” નિકોલસે મહા પરાણે પોતાનો ગુસ્સો રૂંધી રાખીને જવાબ આપ્યો.
મલબેરીએ પોતાના ટેબલ આગળથી ખસીને નિકોલસને આભારી કરવાની ઘસીને ના પાડી, અને કહ્યું, “તમારે જે કામ હોય તે અહીં જ બોલી નાખો, નહિ તો ચાલતા થઈ જાઓ; મારે તમારા જેવાઓ સાથે કશું જ કામકાજ ન હોઈ શકે.” - નિકોલસે તરત પોતાના નામનું કાર્ડ તેના ઉપર નાખીને કહ્યું કે, “હવે તમારું નામ અને સરનામું મને આપી દો, એટલે બસ; તમારું નામઠામ આમ માગવાનો અર્થ, તમે સગૃહસ્થ હોઈ, સમજતા જ હશો.”
“મારે મારું નામ કે ઠામ તને બતાવવાની કશી જરૂર નથી.” મલબેરીએ ધીટતાથી જવાબ આપ્યો.
| નિકોલસે હવે એ ચારે જણને સંબોધીને કહ્યું, “તમો ચારેની ટોળકીમાં સગૃહસ્થ નામને પાત્ર એક પણ માણસ છે કે નહિ?