________________
૩૩
નિકોલસની ચિંતા
૧
પોમાથમાં મિ. ક્રમલ્સને એટલી બધી સફળતા મળી કે, તેમણે પોતાની નાટકકંપનીનો પડાવ ત્યાંને માટે નિયત કરેલા સમય કરતાં પંદર દિવસ વધુ લંબાવ્યો. નિકોલસે અત્યાર સુધીમાં જુદાં જુદાં પાત્રોનો અભિનય કરીને એવી સફળતા પ્રાપ્ત કરી હતી કે, તેને માટે એક ‘બેનિફિટ ’ નાઈટ પણ જાહેર કરવામાં આવી, અને તેને તેમાંથી વીસ પાઉંડ જેટલો હિસ્સો મળ્યો.
તરત નિકોલસે જૉન બ્રાઉડી પાસેથી ઊછીની લીધેલી એક પાઉંડની રકમ પરત મોકલાવી અને સાથે આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરતો પત્ર લખ્યો. દશ પાઉંડની રકમ તેણે ન્યૂમૅન નૉગ્સને મોકલી આપી તથા જણાવ્યું કે, તે રકમ તેણે કેટને ખાનગીમાં આપી દેવી. પોતે શો ધંધો કરે છે, એ વિષે તેણે કશા સમાચાર ન્યૂમૅનને લખ્યા નહિ, પણ ‘ૉન્સન', C/o પોર્ટસ્મથની પોસ્ટ ઑફિસ, એવા સરનામે પત્ર લખવાથી પોતાને મળશે, એવું જણાવી રાખ્યું. ઉપરાંત, પોતાના અત્યારના સ્થાનની ખબર બીજા કોઈને ન આપવાનું ભારપૂર્વક તેને જણાવી, પોતાનાં મા-બહેનના સાચા સમાચાર લખવા ખાસ આગ્રહ કર્યો.
એ કાગળ લખતી વખતે નિકોલસન માં ચિંતાના જુદા જુદા ભાવોથી ઘેરાયેલું જોઈ, સ્માઇકે તેને પૂછ્યું, “તમે કશીક ચિંતામાં પડી ગયા છો ખરું, મોટાભાઈ?”
૧૭૯