________________
૧૦૨
' નિકોલસ નિકલ્ટી નાસી ગયો છે. પરંતુ એ ચોર, ડાકુ, લફંગો માણસ પાછો મારી મમ્મીની વીંટી પણ ઉઠાવતો ગયો છે. મારા પપ્પા કહે છે કે, તે ચોરને પકડીને, મારી મમ્મીની વીંટી તેની પાસેથી પાછી મેળવી લઈ, તેને છોડી મૂકવામાં આવે. કારણ કે, તેના ઉપર અદાલતમાં કામ ચલાવીએ, તો તેને માત્ર દેશનિકાલની સજા થાય. પણ જો તેને છૂટો જવા દઈએ તો, તેના સ્વભાવ પ્રમાણે, તે કતલ અને ખૂનનાં બીજાં કામો એટલાં બધાં કરશે, કે જેથી તે જલદી ફાંસીને લાકડે જ લટકી જશે. એથી અમારે કોરટબાજીની તકલીફમાં પણ નહિ ઊતરવું પડે, અને પરિણામ બહુ સંતોષકારક આવશે.”
અંતે તા. ક. કરીને તેમાં નીચે એવું ઉમેર્યું હતું કે, “મને તેના ગમારપણાની દયા આવે છે અને હું તેને મારા અંતરથી ધિક્કારું છું.”
નિકોલસ કાગળ વાંચી લઈ, તરત બોલી ઊઠયો કે, “હું મારા કાકા પાસે જ અબઘડી જાઉં છું. મારે આ વીંટીની ચોરી બાબત ચોખવટ કરવી જ જોઈએ.”
ન્યૂમેને તરત તેનો કોટ પકડી કહ્યું, “એવી મૂર્ખાઈ કરવાની જરૂર નથી. તમારા કાકા બહારગામ ગયા છે અને ત્રણ દિવસ સુધી પાછા આવવાના નથી. એ કાગળ વાંચી રહ્યા કે તરત તેમને બહાર જવાનું થયું છે, એટલે તેમણે એ કાગળનો કશો જવાબ આપ્યો નથી, એ નક્કી છે. વળી, એ માણસ એવી ચોરીની વાત માનવાનું પોતાના હિતમાં હોય તો જ માને એવો છે. અને જો તેને એ માનવી જ હશે, તો તમે જઈને તે ખોટી છે એમ કહેશો ને ગમે તેટલા સોગંદ ખાશો તોપણ નકામું જ, બાકી, એ એવી કાગળની વાતો માની ન લે તેટલો ચાલાક છે; એટલું હું મારા અનુભવે તમને કહું છું.”
તો પછી હું મારાં મા અને બહેનને મળી આવું, અને આ ચોરીની વાત ખોટી છે, એવું પહેલેથી તેમને કહી આવું, જેથી મારા કાકા તેમને મારી બાબતમાં ભંભેરવા જાય, તો તેઓ ઝટ માની
ન લે.”