________________
નિકોલસ નિકલ્ટી સ્કવીયર્સ રાજી થતો થતો થોડી વાર સ્માઇક તરફ જોઈ રહ્યો; પછી તેણે બૂમ પાડી, “જલદી તેને અંદર લાવો, અંદર લાવો!”
ગાડીનાં પાંખિયાં સાથે બાંધેલા બંધ છોડી, સ્માઇકને અંદર લાવવામાં આવ્યો. મિ0 સ્કવીયર્સે તેને એક ભંડારિયામાં તાળું મારી પૂરી દીધો. કારણ કે, સૌ છોકરાંને ભેગાં કરી, પોતે તેમની સમક્ષ નિરાંતે દાખલો બેસાડવા માગતો હતો.
બપોરના બધા છોકરાઓને વર્ગના ઓરડામાં ભેગા કરવામાં આવ્યા. મિ૦ સ્કવીયર્સ ભોજન બાદ એક-બે ખાલી ચડાવી, “તૈયાર' થઈ ત્યાં આવી પહોંચ્યા. આ સમારંભ માટે ખાસ ખરીદવામાં આવેલી લચકદાર, મજબૂત નેતરની સોટી લાવીને ટેબલ ઉપર મૂકવામાં આવી હતી. મિસિસ સ્કવીયર્સ પણ આ પ્રસંગને છાજે તેવી ગંભીરતાથી અને ગૌરવથી પાસે આવીને ખડાં થઈ ગયાં.
તે પછી દયામણા, છેક જ ભાગી પડેલા અને દીન હતાશાની મૂર્તિ સમા સ્માઇકને ભંડારિયામાંથી કાઢીને ત્યાં હાજર કરવામાં આવ્યો.
સ્કવીયર્સે હવે ન્યાયાધીશની અદાથી સ્માઈકને પૂછયું, “તારે કંઈ કહેવાનું છે?”
દયા કરો,” બિચારો સ્માઇક કરગર્યો; “મારે નાછૂટકે નાસી જવું પડ્યું હતું, સાહેબ. હવે કદી નહીં નાસી જાઉં; સાહેબ, દયા!”
નાછૂટલે નાસી જવું પડ્યું, એમ? એટલે તારો વાંક નહોતો, એમાં મારો વાંક હતો ખરું?” એમ કહી, સ્કવીયર્સે તેને મજબૂત રીતે પકડી રાખી, પોતાની પૂરી તાકાતથી એવો તો ફટકો લગાવ્યો કે, એ બાપડો એની વેદનાથી અમળાઈને છેક જ કોકડું વળી ગયો. હજુ એ તરફડતો જ હતો, તેવામાં તો મિ૦ સ્કવીયર્સે બીજો ફટકો ઉગામ્યો. એ બીજો ફટકો સ્માઈકના શરીર ઉપર પડે, તો તે ભાગ્યે હોશમાં રહી શકે, એવું ચોક્કસ દેખાતું હતું.
અચાનક નિકોલસ નિકલ્કીએ ચોંકીને બૂમ પાડી, “બસ કરો!” એ ત્રાડ એવી હતી કે, ઓરડાની છત પણ કંપી ઊઠી.