________________
નિકોલસ નિકબી ચહેરો જોવા જેવો થઈ જશે ! તને તારા રૂપાળાપણાનું બહુ અભિમાન છે તે –...”
“એમ? ખરેખર!” નિકોલસ હસતાં હસતાં બોલ્યો.
“હા, ખરેખર, ખરેખર, ખરેખર! જાઓ છોકરાઓ, તમારા બંડખોર, હરામખોર, બદમાશ મહેતાજીની શિખામણ સાંભળવા જાઓ! અને તમે બધાય તમારું ચાલે તો સ્માઇક જેવું જ કરવા માંડો. પણ એ હરામડાને પાછો પકડી લાવીએ, પછી તેની શી વલે થાય છે, તે નિરાંતે ત્યારે જોજો !”
“અરે, તે હાથમાં આવે, તો હું તેનું જીવતાં ચામડું ઉતારી ન નાખું તો મારું નામ નહીં!” આવીયર્સ ઘૂરક્યો.
હાથમાં આવે તો! તે એ છોકરો એમ ને એમ ઓછો હાથમાં આવવાનો છે? તેના હાથમાં ઘરમાંથી ખાવાનું કે પૈસા તો આવે એમ છે નહિ, બધે તાળાં છે (સંતોષનું હાસ્ય); એટલે તે ધોરી રસ્તે જ ગયો હોવો જોઈએ, કેમ કે ત્યાં તે કોઈ પાસે કંઈ ભીખી શકે. માટે તમે એક બાજુ તમારી ડમણી લઈને ઊપડો, અને હું બીજી તરફ કોઈ સબધા મજૂરને સાથે લઈ, પડોશીના સિગરામમાં ઊપડું છું. સાથે દોરડાં વગેરે બરાબર લેતાં જઈશું, જેથી હાથમાં આવે તો બરોબર બાંધી લવાય.”