________________
જેઓએ કેળવણીના ધંધામાંથી બાળકો અને તેમના વાલીઓના શોષણનો જ માર્ગ શોધી કાઢયો હોય છે, તથા સ્નૉલી જેવા વાલીઓ, કે જે પરાયાં છોકરાંની માને તેની મિલકત ખાતર જ પરણ્યા હોય છે, અને પછી એ સાવકા છોકરાને આવા રાક્ષસોના હાથમાં સોંપી દઈને જ છુટકારો અનુભવે છે, – તે જેમ અહીં ચિત્રણ પામ્યા છે, તેમ નિકોલસ જેવા સમજદાર અને શક્તિશાળી જુવાનિયા પણ આ નવલકથામાં યથાર્થ સ્થાન પામે છે. તેઓ સમાજના પેલા અસુરો સામે જ્યાં ને ત્યાં અથડામણમાં આવતાં પોતાના જાન-માલની પરવા કરતા નથી, પણ પેલાઓનો સામનો કરવાનું કર્તવ્ય બજાવી છૂટે છે. જોન બ્રાઉડી જેવા ગામડિયા મિત્રો, ન્યૂમૅન નૉઝ જેવા હાલહવાલ બની ગયેલા શહેરી બાવાઓ, મિલ્સ જેવા નાટયકારો, પોતાના કોઈ સબળા સગાની આશામાં જ રાચતાં કેન્વિટ્ઝ જેવાં મધ્યમવર્ગી કુટુંબો, લૉર્ડ વેરિસૉફટ જેવા જુવાન નાદાનો, અને સર મલબેરી હૉક જેવા તેમને ફોલી ખાઈને જીવતા કીડાઓ – વગેરે વિવિધ પાત્રોનો મેળો આ નવલકથાને એક અનોખી મનોરંજકતા તથા બોધકતા આપે છે.
ઘણાં વર્ષ પૂર્વે વાંચી હતી, ત્યારથી જ આ નવલકથા મનમાં ઘર કરી ગઈ હતી. અને તેથી પૂછનાર સૌ કોઈને ડિકન્સની નવલકથાઓમાં પહેલી આ વાંચવાની જ ભલામણ કરવાનું મન થતું. એટલે જ્યારે ‘ઑલિવર વિસ્ટ’ પછી ‘સત્યાગ્રહ’ માટે બીજી કોઈ વાર્તા પસંદ કરવાની થઈ, ત્યારે હિંમતપૂર્વક આ નવલકથા જ મેં સૂચવી. અને તંત્રીશ્રી તરફથી તેનો સ્વીકાર થતાં, ઘણાં વર્ષ પૂર્વે નિરધારી રાખેલા આ કામનો આરંભ થયો.
આવી લાંબી વાર્તાઓ હપતે હપતે આપવાની થાય, અને તેય “સત્યાગ્રહ” જેવા રોજિદા રાષ્ટ્રીય પ્રશ્નોથી ધમધમતા સાપ્તાહિકમાં, ત્યારે સ્થળ-કાળનો અવકાશ તંગ રહે, એ સ્વાભાવિક છે. અને તેથી ઘણી વાર લખાયેલાં પ્રકરણોનું કદ સારી પેઠે કાપ્યા જ