________________
પ્રાસ્તાવિક નિકોલસ નિકલ્બી” એ ડિકન્સની મોટી નવલકથાઓમાંની એક છે. અલબત્ત, ‘પિકવિક પેપર્સ” કે “ડેવિડ કૉપરફીલ્ડ” જેવી એક બે વિશેષ જાણીતી નવલકથાઓ ઉપરાંત, ડિકન્સની બીજી નવલકથાઓની વાત આપણા તરફ વિશેષ સાંભળવા મળતી નથી, એ ખરું. સાહિત્ય જગતમાં પણ લેખકની સૌથી સારી નવલકથા જ જાણીતી થઈ હોય છે, એમ હંમેશ નથી બનતું. ઉપરાંત ડિકન્સ જેવા મોટા લેખકની અનેક કૃતિઓમાંથી ‘સૌથી સારી” કહીને પસંદ કરવા માટે કોઈ બાહ્ય વાસ્તવિક માપદંડ ભાગ્યે જ હોઈ શકે. કારણ કે, ડિકન્સની દરેક નવલકથામાં પાત્રોનો મોટો મેળો કે જમેલો જ હોય છે. એ બધાં પાત્રોમાંથી અમુક પાત્ર કે પાત્રો અમુક નવલકથામાં સારી રીતે વર્ણવાયાં હોય, તથા બધાં જ પાત્રો કે પ્રસંગો એવી વિશિષ્ટ રીતે એક જ નવલમાં સફળ ચિત્રણ પામ્યાં ન હોય, એમ પણ બને. એટલે, ડિકન્સ જેવા લેખકોનાં તો બની શકે તેટલાં વધુ પુસ્તકો વાંચી શકાય તો વાંચવાં, એ જ તેમનો રસાસ્વાદ માણવાનો સારો અને સહીસલામત રસ્તો છે.
‘નિકોલસ નિકલ્બી” એ નવલકથા, એ દૃષ્ટિએ, અમુક પાત્રો અને પ્રસંગોની બાબતમાં અનોખી છે, અને ડિકન્સ જેવા સમર્થ કલાકારની શક્તિને જોબ આપે તેવી છે. વ્યાજખોર સ્વાર્થી રાલ્ફ અને ગ્રાઈડ જેવા માણસો સામે ચિયરીબલ ભાઈઓ જેવા સારા વેપારી નાગરિકો પણ રજૂ કરવામાં આવ્યા છે, જેઓનો સમાજના ધારણ-પોષણમાં ઓછો ફાળો નથી. વિયર્સ જેવા પામર માણસો,