________________
ડૉન કિવકસોટ! આપણા આ ઠાકોરને જ્યારે કશું કામ કરવાનું ન હોય અને તમારે જાણી રાખવું જોઈએ કે આખું વરસ જ આ લોકોને કશું કામ કરવાનું હોય નહિ– ત્યારે તે, બીજું કશું કરવાને બદલે, પ્રેમ-શૂરા નાઈટ’ લોકોનાં પરાક્રમોની પ્રાચીન કથાઓનાં જૂનાં પુસ્તકો જ વાંચ્યા કરતા. એ વાતોનો ચટકો તેમને એટલો બધો હતો કે, શિકાર, ચોપાટ વગેરે પોતાના લોકોના સામાન્ય રસના બધા વિષયો તેમણે પડતા મૂક્યા હતા – અરે પોતાની જાગીરની દેખરેખનું કામ પણ તેમણે પડતું મૂક્યું હતું. વાત તો એટલે સુધી વધી હતી કે, એ મેંઘી જૂની ચોપડીઓ ખરીદવામાં તેમણે પોતાની કેટલીય ફળદ્રુપ જમીન વેચી નાંખી હતી. અર્થાત્ દૂર કે નજીક જ્યાંથી જેટલી ચોપડીઓ મળી શકે, તે બધી ચોપડીઓ તેમની પાસે ભેગી થઈ હતી.
એ ચોપડીઓના પ્રેમ-શૌર્યભર્યા સંવાદો – ખાસ કરીને દુશ્મનને પડકારવા અંગેના, તેમ જ પોતાની પ્રેમ-રાજ્ઞીને સંબોધન માટેના – તો તેમને એટલા બધા ગમતા કે, જ્યારે ને ત્યારે, તેમના મેંમાં એ શબ્દો જ ગુંજ્યા કરતા.
આ ચોપડીઓ વાંચવામાં તે એટલા બધા મશગૂલ રહેતા, કે કોઈ કોઈ વાર તો રાતે વાંચવાનું શરૂ કર્યું હોય તો બીજા દિવસની સવાર થઈ જતી; અને દિવસે વાંચવાનું શરૂ કર્યું હોય તો મધરાત પણ વીતી જતી. આમ અતિશય ઉજાગરા અને સતત વપરાશને લીધે છેવટે તેમના મગજનું તેલ ખૂટી ગયું અને વિવેક-બુદ્ધિનો દીવો હંમેશને માટે ગુલ થઈ ગયો. પછી તો આખો વખત, – વાંચતા હોય ત્યારે કે ન વાંચતા હોય ત્યારે, – તેમની નજર સમક્ષ એ ચોપડીઓમાં વાંચેલી કહાણીઓનાં કલ્પના-ચિત્રો જ ઘૂમ્યા કરતાં. જાણે માયાવી રાક્ષસોએ માયાજાળ બિછાવી છે, કોઈ રૂપસુંદરીનું હરણ તેઓ કરી જાય છે, તેણે પાડેલી મદદ માટેની ચીસો સંભળાય છે, અને તરત દુશ્મનને વીરોચિત પડકાર, રણશિગાનો
કાર, ઘોડાના ડાબડાઓનો દડબડાટ, તરવારોનો ખણખણાટ, ઘાયલ થયેલાઓનો કણસાટ વગેરે તેમની આંખ સામે, કાન સામે, -ટૂંકમાં તેમની પોતાની સામે તાદૃશ થઈ જતાં. સાથે સાથે પોતાની પ્રેમરાજ્ઞીની કૃપાદૃષ્ટિ ન મળવાથી થતો વલવલાટ, વિયોગ-દુ:ખનો અમળાટ,