________________
૨૦૬ ' ડૉન કિવકસોટ!
“અરેરે !” ડયૂક હમદર્દી બતાવતા બોલી ઊઠયા. '
હા, હા, દુશ્મનોએ મને એવી નાજુક જગાએ જાણીબૂજીને ઘા કર્યો છે. કોઈ નાઈટને પ્રેમ-રાજ્ઞી વિનાનો કરી મૂકવી, એ તેની આંખો છીનવી લેવા જેવું છે, તેનો સૂર્યપ્રકાશ છીનવી લેવા જેવું છે, અને તેને પોષણ આપનાર આહાર છીનવી લેવા જેવું છે. કારણ કે, મેં વારંવાર કહ્યું છે તેમ, પ્રેમ-રાજ્ઞી વિનાનો નાઈટ એ પાન વિનાના વૃક્ષ જેવો છે, ચૂના વિનાના મકાન જેવો છે, અરે બિબ વિનાના પ્રતિબિબ જેવો છે.”
ભોજન બાદ ડૉન કિવકસોટ આરામ માટે પોતાને માટે જુદા કઢાયેલા ઓરડામાં ચાલ્યા ગયા. પણ ડચેસે સાન્કો પ્રત્યે ખાસ ભાવ બતાવી, તેને ઊંઘવું ન હોય તો’ પોતાના કમરામાં વાતો કરવા માટે આવવા આમંત્રણ આપ્યું. સાન્કોને ડચેસના સ૬ ભાવ ઉપર વિશ્વાસ ઉત્પન્ન થતો જતો હતો; એટલે તેણે તે નિમંત્રણનો તરત સ્વીકાર કર્યો.
પોતાના કમરામાં લઈ ગયા પછી, ડચેસે તેને ખુરશી ઉપર બેસવા કહ્યું. પણ સાન્કોએ ઊભા રહેવાનો જ વિનય બતાવ્યો. ત્યારે ડચેસે કહ્યું,
તમારા જેવા શાણા અને સમજુ માણસને અમારા રાજ્યમાંના એકાદ ટાપુના ગવર્નર બનાવવાનો મેં મારા પતિ લૉર્ડ ડયૂકને કયારનો આગ્રહ કરી દીધો છે. અને તે પણ એ બાબતમાં સંમત થયા છે. એટલે તમે હવે નાઈટના સ્કવાયર તરીકે નહિ પણ અમારા રાજ્યના જ એક ગવર્નર તરીકે અમારી સામે બેસી શકો છો.”
સાન્કોને આ જાહેરાત સાંભળતાં જ આનંદ આનંદ થઈ ગયો. એટલે બીજી બધી બાનુઓ ઊભી હતી, છતાં તે શાંતિથી એક ખુરશી ઉપર બેસી ગયો.
પછી ડચેસે તેની સાથે વાતચીત શરૂ કરી. તેણે કહ્યું, “જુઓ, હવે આપણે ખાનગી મંત્રણા કરીએ છીએ એમ માનજો; આજબાજ કોઈ બીજે સાંભળી શકે તેમ નથી – તમારા નાઈટ તો નહિ જ. મેં તમારા નાઈટ મહાશયનો જે ઇતિહાસ વાંચ્યો છે, તેમાં મને કેટલીક શંકાઓ છે. તમારા સિવાય એ શંકાઓનું નિવારણ કરે તેવું બીજું કોઈ હું જોતી નથી. એટલે તમે મને જેવા હોય તેવા સાચા ખુલાસા જ કરશો, એવી આશા છે.”